વરસાદી પાણીનો પ્રશ્ન:અમદાવાદમાં વરસાદ બાદ ગરનાળા પાણીથી ભરાયેલા છે, સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે- 2 કલાકમાં પાણી ઉતરી જાય છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદને પગલે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે - Divya Bhaskar
વરસાદને પગલે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે
  • કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વિટ કરી કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

અમદાવાદ શહેરમાં બે ઈંચ વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.ત્યારે આજે મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચોમાસાને લઈ ચર્ચા થઈ હતી. કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીને લઈ ઝડપથી પાણીના નિકાલ અંગે ચર્ચા થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો હતો કે, 2 કલાકમાં પાણી ઉતરી જાય છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વિટ કરી કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા.

માંડ અડધા ઈંચ વરસાદમાં ટ્રાફિક સેન્સ પણ ધોવાઈ જતાં સ્વસ્તિક ચારરસ્તા પાસે ચક્કાજામ
માંડ અડધા ઈંચ વરસાદમાં ટ્રાફિક સેન્સ પણ ધોવાઈ જતાં સ્વસ્તિક ચારરસ્તા પાસે ચક્કાજામ

ભુવા પડ્યા છે ત્યાં કામ ચાલુ છે
પાણી ભરાવા મુદ્દે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બચાવ કરતા જણાવ્યું હતું કે, વરસાદ સમયે વીડિયો લેવાયો હશે. હાલ ક્યાંય પાણી નથી ભરાયા નથી. શહેરમાં દોઢ કે બે કલાકમાં પાણી ઉતરી જાય છે. જ્યાં જ્યાં ભુવા પડ્યા છે ત્યાં કામ ચાલુ છે અને ઈજનેર વિભાગ કામ કરે છે. વરસાદ સમયે પણ કામ કેટલીક જગ્યાએ ચાલુ છે અને કામ તાકીદે બંધ થઈ શક્યા નથી.

સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે
સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે

બોપલ ઘુમામાં ઔડા અને કોર્પોરેશન સાથે કામ કરે છે
બોપલ અને ઘુમા વિસ્તાર આ વર્ષે કોર્પોરેશનમાં ભળી ગયો છે. આ વિસ્તારમાં પાણી ભરાવવા અને ભુવાની મોટી સમસ્યા છે, જેની અનેક ફરિયાદ હવે બોપલવાસીઓ કરી રહ્યા છે. જે મામલે હિતેશ બારોટે જણાવ્યું હતું કે, બોપલ અને ઘુમા વિસ્તારમાં ઔડા અને કોર્પોરેશન સાથે મળી કામ કરે છે. ગઈકાલ સુધી રોડના પેચવર્કનું કામ ચાલતું હતું તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં
અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બુધવારે થયેલા વરસાદને લીધે SP રિંગ રોડ પરના સર્કલ નજીકના અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ ગઈ કાલે રાત્રે થયો હતો પરંતુ 14 થી 15 કલાક બાદ પણ અંડર પાસમાં છાતી સમુ પાણી ભરેલું છે. જેના કારણે પીક-અપ વાન પાણીમાં ફસાતા અનેક શ્રમિકોના જીવ જોખમાં મુકાયા હતા.

વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન શું કહે છે?
વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 48 વોર્ડમાં આવેલી 51 હજાર જેટલી કેચપીટ બે વખત સાફ કરી દેવામાં આવી છે. ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા હોય ત્યાં સમ્પ મૂકી અને પમ્પથી પાણી બહાર ઉલેચવાની કામગીરી કરવામાં આવે છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી નથી થતો અને પાણી ભરાવવાની સમસ્યાઓ છે ત્યાં મશીનો દ્વારા પાઈપની સફાઈ કરાવવામાં આવી છે. વોટર ડ્રેનેજ પાછળ કેટલા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને ખર્ચ મામલે તેઓએ જણાવ્યું હતું કે, મારે તો તે માટે જોવું પડશે.