હું ગુજરાત છું:...રાષ્ટ્રપતિ શાસન બાદ ગુજરાતમાં પાછો ‘સોલંકી યુગ’ શરૂ થયો! ..અને એ વખતે બાબુભાઈએ પોતાની સરકાર મોરબીથી ચલાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રમાં મોરારજી સરકાર આવતાં જ ગુજરાતમાં ફરી બાબુભાઈ પટેલની જનતા સરકાર રચાઈ

ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનના અંત પછી 24 ડિસેમ્બર, 1976ના રોજ માધવસિંહ સોલંકીની સરકાર રચાઈ. સંસ્થા કોંગ્રેસના અગ્રણી માણેકલાલ ગાંધીએ તો હળવાશથી કહ્યું :‘ગુજરાતમાં પાછો સોલંકી યુગ શરૂ થયો.’ સોલંકી સરકારમાં જસવંત મહેતા ગૃહમંત્રી અને વિજયકુમાર ત્રિવેદી નાણાં મંત્રી હતા. બારિયા નરેશ જયદીપસિંહ, અમરસિંહ ચૌધરી, ગોરધનભાઈ પટેલ, નરસિંહ મકવાણા,ચીમનભાઈ મહેતા વગેરે મંત્રી હતા. બીજાં પાંચ રાજ્ય કક્ષાના અને પાંચ નાયબ મંત્રી હતા.

નવી સરકારને હજુ માંડ મહિનો પણ થયો નહોતો એટલામાં એકાએક વડાંપ્રધાન ઇન્દિરાજીએ 18 જાન્યુઆરી 1977ના રોજ રેડિયો પ્રસારણમાં જાહેર કર્યું: ‘લોકસભાનું વિસર્જન અને ચૂંટણી માર્ચ મહિનામાં.’ ઈમરજન્સી દરમિયાન ઇન્દિરાજીની કેબિનેટમાં સંરક્ષણ મંત્રી જગજીવન રામે 2 ફેબ્રુઆરી, 1977ના રોજ રાજીનામું આપીને કોંગ્રેસ ફોર ડેમોક્રસી (સીએફડી) પક્ષ રચ્યો.ઈમરજન્સી દરમિયાન લોકસભાની પાંચ વર્ષની મુદત એક વર્ષ માટે લંબાવાઈ હતી.

ઈમરજન્સીના ખરા ખલનાયક અને ઇન્દિરાજીના થનાર રાજકીય વારસ સંજય ગાંધી તો ત્રણેક દાયકા સુધી ચૂંટણી યોજવાના પક્ષે નહીં હોવા છતાં શ્રીમતી ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી હતી. ઈમરજન્સી ઊઠી ગઈ. મોરારજી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓને જેલમુક્ત કરાયા. લોકનાયક જયપ્રકાશ નારાયણની તબિયત લથડી હતી એટલે એમને તો અગાઉ છોડી મૂકાયા હતા.સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પક્ષ,સમાજવાદી પક્ષ વગેરેના ભવ્ય જોડાણનો અખતરો 1970 પછી ફરીને કરીને નવો જનતા પક્ષ રાષ્ટ્રીય સ્તરે આકાર પામ્યો.

16,18,19 અને 20 માર્ચના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું. કોંગ્રેસનો પરાજય થયો. સ્વયં વડાંપ્રધાન ઈન્દિરાજી અને એમના પુત્ર સંજય ગાંધી પોતાની બેઠક પરથી પણ હાર્યાં. જે.પી.-કૃપલાની-મોરારજીના નેતૃત્વવાળો જનતા પક્ષ 271 બેઠકો મેળવી શક્યો. સીએફડીને 27 બેઠકો મળી. 298 બેઠકો ઉપરાંત 22 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ, 8 અકાલી અને 24 અન્ય એમ કુલ 352 સાંસદો જનતા પક્ષના ટેકામાં હતા. ગુજરાતની 26 બેઠકોમાંથી જનતા પક્ષને 15, 1 અપક્ષને અને કોંગ્રેસને 10 બેઠકો મળી. સામે ઇન્દિરા ગાંધીને પક્ષે માત્ર 153 બેઠકો અને એમાં પણ મોટાભાગની દક્ષિણ ભારતમાં આવી.

જે.પી.-કૃપલાનીએ વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈને પસંદ કર્યા. બે નાયબ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ અને જગજીવનરામ હતા.દિલ્હીમાં રાજઘાટ પર કેન્દ્ર સરકારનો શપથવિધિ યોજાયો. લોકસભામાં વિપક્ષના નેતાપદે યશવંતરાવ ચવ્હાણ આવ્યા. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપી જનતા પક્ષમાં જોડાવા દોટ મૂકી. બહુમતી ગુમાવી બેઠેલા માધવસિંહે 8 એપ્રિલ, 1977ના રોજ રાજ્યપાલને રાજીનામું આપ્યું. જોકે બાબુભાઈની બીજી વારની સરકારના સમયગાળામાં જ મોરબીનો મચ્છુ ડેમ તૂટતાં હજારોનાં મોત નીપજ્યાં હતાં. સ્વયં મુખ્યમંત્રી બાબુભાઈએ પોતાની સરકાર મોરબીથી ચલાવી. લોકસભા ચૂંટણી પછી ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવતાં પટેલ સરકારે 17 એપ્રિલ, 1980ના રોજ રાજીનામું આપવું પડ્યું. - ડૉ. હરિ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક

અન્ય સમાચારો પણ છે...