ડોક્ટરો શરતી સમાધાન માટે તૈયાર:સરકારના સકારાત્મક પ્રતિસાદ બાદ અમદાવાદ-સુરતના ડોક્ટર્સ કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાશે, લેખિત બાંહેધરી સુધી હડતાળ ચાલુ રાખશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળની ફાઈલ તસવીર - Divya Bhaskar
રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળની ફાઈલ તસવીર
  • મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈ
  • ન્યાયિક માંગણી અંગે સરકારે સંપર્ક કર્યો હોવાની બેઠકમાં થઇ ચર્ચા
  • સુરતમાં 30 ટકા ડોક્ટર્સ હડતાળ સાથે ઈમરજન્સી સેવામાં જોડાશે.

રાજ્યભરમાં જુનિયર ડોક્ટરો દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તથા જામનગર સહિતના શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. જોકે સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ સમેટવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હડતાળ મામલે તબીબો સાથે ચર્ચા કરવા સરકારે તેમનો સંપર્ક કર્યો છે. મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈ હતી. સુરતના પણ 30 ટકા જુનિયર ડોક્ટરે ઈમરજન્સી સેવામાં પાછા જોડાવાનો નિર્ણય કર્યો છે.

જુનિયર ડોક્ટર્સની હડતાળ સમેટવા સરકારના પ્રયાસ
અમદાવાદમાં જુનિયર ડોકટરોની હડતાળ સમેટવા માટે સરકાર તરફથી બેઠકોનો દોર શરૂ કરાયો છે. બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ડોક્ટર્સને બાંહેધરી આપતા હવે રેસિડેન્ટ ડોક્ટર્સ કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાવા માટે તૈયાર થયા છે. જોકે હજુ પણ તેઓ આરોગ્ય વિભાગ દ્વારા લેખિત બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખશે.

ડોક્ટર્સ આરોગ્ય વિભાગની લેખિત બાંહેધરી મળવા સુધી વિરોધ અને હડતાળ યથાવત રાખશે
ડોક્ટર્સ આરોગ્ય વિભાગની લેખિત બાંહેધરી મળવા સુધી વિરોધ અને હડતાળ યથાવત રાખશે

લેખિત બાંહેધરી મળવા સુધી વિરોધ યથાવત રાખશે
આજથી કોવિડ અને ઇમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટરો સારવાર માટે પરત ફરશે. આ વિશે હડતાળ પરના ડોક્ટરે કહ્યું હતું કે, સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જોકે જુનિયર ડોક્ટરોનો વિરોધ અને માંગ હજુ યથાવત રહેશે. આરોગ્ય વિભાગ લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હડતાળ રહેશે યથાવત.

સુરતમાં હડતાળ પરના 30 ટકા ડોક્ટર્સ ઇમરજન્સી સેવા આપશે
સુરતના ડો. તન્વી (JDA, સભ્ય) એ જણાવ્યું હતું કે, આજે અમારી હડતાળનો નવમો દિવસ છે, સરકાર દ્વારા અમારા પડતર પ્રશ્નોના જવાબના પ્રત્યુતરમાં હકારત્મક સહકાર આપે તેવી આશા છે. JDA દ્વારા ગરીબ-શ્રમજીવી લોકોના સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર સેવા ચાલુ કરી રહ્યા છીએ. જેમાં 30 ટકા ડોક્ટરો હડતાળ સાથે ઇમરજન્સી સેવા આપશે.

સુરતમાં હડતાળ પરના 30 ટકા ડોક્ટર્સનો ફરજ પર જોડાવાનો નિર્ણય
સુરતમાં હડતાળ પરના 30 ટકા ડોક્ટર્સનો ફરજ પર જોડાવાનો નિર્ણય

હડતાળ પરના ડોક્ટરોએ સન્માન પત્રો પરત કર્યા
નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 2000 જેટલા રેસિડન્ટ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરની હડતાળના કારણે અનેક દર્દીઓને તકલીફ પડી રહી છે. ત્યારે સોમવારે ડોકટર્સે પોતાના સન્માન પત્ર પાછા આપવા PG ડિન પાસે પહોંચ્યા હતા. બીજી તરફ સરકાર પણ ડોકટરોની અમુક માંગ ગેરવ્યાજબી ગણાવી રહી છે પણ તે વ્યાજબી વાત કરવા તૈયાર હોવાના અણસાર આપી દીધા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી ડોક્ટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો
સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી ડોક્ટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો

બોન્ડના સહિતના મુદ્દે વિવાદ થયો
કોવિડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે.