તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:પંકજકુમાર પછી ગૃહ કોને સોંપાશે તે અટકળો શરૂ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારને મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ 31 ઓગસ્ટે મુખ્ય સચિવ પદ સંભાળી લે તે પછી ગૃહ વિભાગમાં કોને નિયુક્ત કરવામાં આવે છે તે ખૂબ મહત્ત્વનું રહેશે. ગૃહ સચિવનું પદ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ખૂબ મોટી જવાબદારીવાળું રહેશે, તેથી અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીને જ અહીં નિયુક્ત કરાશે તેવું જાણવા મળ્યું છે. પણ સચિવાલયના સૂત્રો કહે છે કે હાલ આ પદ કોઇ એક અધિકારીને વધારાના હવાલા તરીકે પણ અપાઇ શકે છે. ગૃહ સચિવના પદ માટે નાણાં સચિવ પંકજ જોષી હાલ મજબૂત દાવેદાર ગણાઇ રહ્યા છે.

અમિત શાહના જૂના વિશ્વાસુઓ અમિદૃષ્ટિ ઝંખી રહ્યા છે
રાજકારણમાં ગોડફાધર મજબૂત હોય તો જ સતત પ્રગતિ શકય છે,નબળા ગોડ ફાધરની પસંદગી કે વફાદારીમાં આંચ આવવી અકાળે રાજકીય કારર્કિદીનો અસ્ત લાવે છે.આવું જ કંઇક કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કેટલાક વિશ્વાસુંઓ સાથે થઇ રહ્યું છે.અમિત શાહ ધારાસભ્ય હતા ત્યારે તેમના ઘણા બધા વિશ્વાસુ હતા.આ વિશ્વાસુઓ મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ આવતા થોડા ડગમગી ગયા હતા.આ વિશ્વાસુઓએ ધીરજ રાખી નહીં એટલે તેઓ શાહની નજરમાં આવી ગયા. હવે શાહનો સિતારો આવ્યો એટલે આ વિશ્વાસુઓ તેમની નજીક જવા હજુ પણ મથી રહ્યા છે. તેઓ ઇચ્છી રહ્યા છે કે, શાહની એકાદ અમીદૃષ્ટિ તેમના પર પડી જાય અને શાહ અત્યારે 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે પણ તેઓ તેમને રીઝવવા મથી રહ્યા છે.

શ્રીનિવાસ મસુરી IAS ટ્રેનિંગ એકેડેમીમાં મૂકાતાં આશ્ચર્ય
ગુજરાત કેડરના 1989 બેચના આઇએએસ અધિકારી કે શ્રીનિવાસની બદલી પાછલાં અઠવાડિયે મસૂરીમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં નિયામક તરીકે કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં આઇએએસ અધિકારીઓનું મહેકમ સંભાળતા ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગના એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર જેવાં અતિ મહત્ત્વના હોદ્દા પરથી બદલીને તેમને આઇએએસ અધિકારીઓને તાલીમ આપતી આ સંસ્થામાં મુકાતાં મોટુ આશ્ચર્ય સર્જાયું છે. શ્રીનિવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિવિશ્વાસુ અધિકારીઓ પૈકીના એક છે અને તેમને આ સાઇડલાઇન જેવાં પોસ્ટિંગમાં બદલી દેવાથી ભવિષ્યમાં શ્રીનિવાસ કોઇ મોટા પદ પર આવે તે પહેલાં તેમને બ્રેક અપાયો હોઇ શકે તેવી ચર્ચા પણ હાલ સચિવાલયના ગલિયારાંમાં ચાલી રહી છે.

મુકીમને નિવૃત્તિ પછી પણ મોટી જવાબદારી મળશે
અનિલ મુકીમ 31 ઓગસ્ટે નિવૃત્ત થઇ રહ્યા છે અને તેમને વડાપ્રધાન કાર્યાલયમાં નિયુક્તિ મળી શકે તેવી ચર્ચા છે. જો કે તેઓએ છેલ્લી કેબિનેટ મીટિંગમાં વિદાય લીધી તે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમની સેવા અને સલાહ ભવિષ્યમાં પણ લેવા ઇચ્છુક છે, તે જોતાં મુકીમ ગુજરાત સરકારમાં જ કોઇ મહત્ત્વના હોદ્દા પર આવે તે શક્યતા નકારી શકાતી નથી. દિલ્હીમાં તેમના કનેક્શનને જોતાં તેમના માટે ત્રણ મોટા પદો પર રાજ્યમાં નિયુક્તિ થાય તેવું જોવાઇ રહ્યું છે. જો તેઓને ગુજરાતમાં જ રાખવામાં આવે તો તેમને ચીફ વિજિલન્સ કમિશ્નર, જર્કના વડા અથવા ગિફ્ટ સિટીમાં નિયામક પદે નિયુક્ત કરવામાં આવી શકે તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે. ગુરુવારે જ મુકીમે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને મોદીના વિશ્વાસુ કે કૈલાશનાથન સાથે મહત્ત્વની બેઠક પણ કરી હતી.

વણઝારા પણ વિધાનસભાની ચૂંટણી લડવાના મૂડમાં, હિન્દુત્વ અને સંતોના આશરે
ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીમાં ઝંપલાવવા માટે ત્યાંના રિટાયર્ડ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુર તૈયારી કરીને બેઠાં છે, ત્યાં ગુજરાતની ચૂંટણીમાં પણ અહીંના નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારા શસ્ત્રો સજાવી રહ્યા છે. વણઝારાનો ભૂતકાળ ઘણો વિવાદિત રહ્યો છે અને તેથી લોકસમર્થન મેળવવા તેમણે હિન્દુત્વ અને સંતોનો સહારો લેવાનું પસંદ કર્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી તેઓ હિન્દુત્વ જાગરણ મંચના નેજા હેઠળ અમદાવાદ, ગાંધીનગર સહિતના સ્થળોએ વિવિધ સાધુ સંતોને બોલાવીને સંમેલનો કરી રહ્યા છે. હજુ તેઓએ ચૂંટણી લડવા અંગેનો કોઇ ફોડ પાડ્યો નથી પરંતુ ગુજરાતમાં ધર્મસત્તા સ્થાપિત કરવાના સૂત્ર સાથે તેઓ આગળ આવી રહ્યા છે અને સંમેલનો કરી રહ્યા છે. વણઝારા અને તેમનો પરિવાર એક સમયે આસારામના ખાસ શિષ્ય રહ્યા છે, જો કે હાલ આસારામ જેલમાં હોવાથી તેમને તેમના ગુરુના આશીર્વાદ મળ્યાં હશે કે નહીં તે તેઓ જ જાણે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કોણ ટાર્ગેટ કરી રહ્યું છે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષકોની સજ્જતા કસોટી મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ ભગિની સંસ્થા શૈક્ષિક સંઘના વિરોધનો સામનો કરવો પડ્યો. આ સંઘના નેતાઓએ ચૂડાસમા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રાજીનામું પણ માંગી લીધું. આ કિસ્સો ચૂડાસમા માટે લાલબત્તી સમાન બની ગયો છે. ચૂડાસમાને એ વાત સમજાઇ ગઇ છે કે સંઘમાંથી જે તેમના વિરોધીઓ ઊભાં થઇ ગયાં છે અને ગમે-તે સમયે તેમનો ભોગ લેવાઇ શકે છે. ભાજપના વર્તુળોમાં તો ચર્ચા પણ ચાલી છે કે ચૂડાસમાને આવતી વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ પણ નહીં અપાય. તેને બદલે તેમને પાર્ટીમાં કોઇ અમસ્તુ પદ આપી દેવાશે. આ ઉપરાંત ગમે ત્યારે ચૂડાસમાની ચૂંટણીમાં જીતને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટમાં છે તે પણ ગમે ત્યારે પાછો સુનાવણી પર આવી શકે છે.

91ની બેચના અધિકારીને પ્રમોશન મળવાની શક્યતા
પંકજકુમારની મુખ્યસચિવ પદે 31 ઓગસ્ટના રોજ નિયુક્તિ થયાં બાદ તેમના હાલના ગૃહવિભાગ ઉપરાંત રાજ્ય સરકારમાં શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવોની બદલી થાય તેવી ચર્ચા પણ છે. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી અને સચિવ લોચન સહેરા અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીની જવાબદારીમાં બદલાવ આવી શકે છે. જો રાજ્ય સરકાર ત્વરિત બદલીના હુકમ ન કરે તો પણ થોડા સમય બાદ આ વિભાગોમાં આવનારી બદલીઓમાં આ અધિકારીઓનો ક્રમ આવી જશે. આ ઉપરાંત 1991 બેચના ત્રણ અધિકારીઓ અંજુ શર્મા, એસ. જે. હૈદર અને જે. પી. ગુપ્તાને અધિક મુખ્ય સચિવ પદે પ્રમોશન પણ ટૂંક સમયમાં મળી શકે છે.

શંભુપ્રસાદ ટુંડિયાને ઉત્તરપ્રદેશની જવાબદારી
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાની ટર્મ પૂરી થયા બાદ તેમને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સંગઠનમાંથી પણ પડતા મુક્યા હતા. પરંતુ હાલ ટુંડિયાને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની મોટી જવાબદારી અપાઇ છે. ટુંડિયા દલિત સમુદાયના શ્રદ્ધા સ્થાન એવા ઝાંઝરકા ગાદીના મહંત હોવાથી દલિતોમાં ધર્મગુરુ તરીકે મનાય છે. તેમના આ પદનો ઉપયોગ ભાજપે ઉત્તર પ્રદેશમાં દલિતોના દિલ જીતવા માટે કર્યો છે. આગામી સમયમાં શંભુપ્રસાદના પુત્ર કે પરિવારના કોઇ સભ્યને ગુજરાત વિધાનસભાની કોઇ એક બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ગુજરાતમાં યુવાન દલિત નેતાઓની શોધ હાલ ભાજપ કરી રહી છે ત્યારે ટુંડિયા પરિવારમાંથી કોઇ એક વિકલ્પ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...