અમદાવાદના પાલડીમાં NIDમાં કોરોનાના રવિવારે 24 કેસ આવ્યા બાદ મ્યુનિ.એ કેમ્પસમાં મોટાપાયે ટેસ્ટિંગ શરૂ કર્યું છે. વધુ 779 ટેસ્ટમાંથી 13ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોટા ભાગના લોકોને કેમ્પસમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દીવથી પરત ફરેલા એક વિદ્યાર્થીને કોરોના થયો હતો ત્યારબાદ મુવી શોનું આયોજન કરતાં ચેપ ફેલાયો હતો. મોટી સંખ્યામાં કેસ આવતાં NIDને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવાયું છે. બીજી તરફ શહેરમાં વેજલપુરની ઝાયડસ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. બંને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતાં વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જેમાં 13 NID ના છે. 8 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જો કે રાહતની વાત એ છે કે, એકેય દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. અમદાવાદ જિલ્લામાં લગભગ મહિના પછી કોરોનાનો એક કેસ નોંધાયો છે.NID કેમ્પસમાં ખાનગી લેબોરેટરી દ્વારા થયેલા કોરોના ટેસ્ટ ઉપરાંત મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમના કોરોના ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં કુલ 779 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે બાદ હાલમાં કેમ્પસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 45 ઉપર પહોંચી છે.
રાજ્યમાં 31 નવા કેસ, અમદાવાદમાં સૌથી વધુ 19 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દી સાજા થયા છે. સતત ચોથા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેરમાં 8 અને જામનગર શહેરમાં 1 અને સુરત શહેરમાં 1 એમ રાજ્યમાં કુલ 29 કેસ નોંધાયા છે. તો આજે 31 જિલ્લા અને 3 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.