લૂંટેરી દુલ્હન:નરોડાના યુવક સાથે લગ્ન કરી દુલ્હન 70 હજાર લઇ ભાગી ગઈ, મહેસાણાથી અન્ય 3 પણ પકડાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તમામને મેટ્રો કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

નરોડાના યુવક સાથે લગ્ન કરી રૂ.70 હજાર લઇને ભાગી જનાર લૂંટેરી દુલ્હન સહિત 4 લોકોને નરોડા પોલીસે મહેસાણાથી ઝડપી લઇ, મેટ્રો કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નરોડામાં રહેતો હિમાંશુ પંચાલ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતો. ત્યારે ઓળખીતા રમેશભાઇએ કાજલ પટેલનો સંર્પક કરાવતાં, હિમાંશુને કાજલ પસંદ પડતા લગ્નનું નક્કી કર્યું હતું.

રમેશે લગ્ન માટે રૂ.1 લાખની માગણી કરતાં હિમાંશુએ રૂ. 70 હજાર આપવાનું નક્કી કરી કાજલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ કાજલ પિયરમાં ઘઉંનો પાક લેવાનું બહાનું કાઢી પિયેર જતી રહી હતી, થોડા દિવસ બાદ માતાની તબિયતના બહાના કાઢી ઘણો સમય થવા છતાં પાછી નહીં આવતાં હિમાંશુએ રમેશને ફોન કરતાં તેણે પણ જવાબ આપ્યો નહોતો. આથી હિમાંશુએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પીએસઆઇ એસ.એમ.ઠાકોરે બાતમીના આધારે મનીષા ઉર્ફે કાજલ અશોક સાવડે, રમેશ પટેલ અને બે એજન્ટોની ધરપકડ કરી હતી. કાજલે પટેલ ન હોવા છતાં પટેલનું બોગસ એલસી, આધાર કાર્ડ બનાવ્યું હતું. આથી પોલીસે બોગસ દસ્તાવેજ બનાવવાની કલમ પણ લગાવી છે. લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોએ લગ્ન ઈચ્છુક એવા લોકો સાથે રૂપિયા પડાવી લગ્ન કરેલા અને થોડા દિવસ સાથે રહીને યેનકેન પ્રકારે બહાના બતાવી છેતરપિંડી કરતા હતા. તાજેતરમાં જ માણસાના યુવક સાથે પણ નરોડામાં રહેતી આવી ઠગ ટોળકીએ રૂ.1.50 લાખની ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...