દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ સંબધિત છે પણ માં એક માત્ર એવો સંબંધ છે જે આખી જીંદગી નિ:સ્વાર્થ સંબંધ ટકાવે છે. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા કમળાબેન દરજી આશ્રમમાં આવ્યા તે પહેલા ચાંદલોડિયામાં રહેતા હતા.
2001માં ભૂકંપમાં પતિને ગુમાવ્યા બાદ સિલાઇ કરીને 3 દીકરાને ભણાવ્યા અને પરણાવ્યા હતા. દીકરાઓના લગ્ન બાદ ઘર નાનું પડતા માતાએ સામેથી દીકરાઓને કહ્યું કે હું વૃધ્ધાશ્રમમાં રહેવા માગું છું. અહીં તમને અગવડ પડે તેના કરતા તમે સહુ શાંતિથી જીવો. કમળાબેને સિલાઇ કામ કરીને ત્રણેય દીકરાઓને ભણાવ્યા. કયારેક તેમની ફી ભરવાના પૈસા ન હોય તો ઉછીના લાવ્યા હતા. પણ આજે તેમણે જીવન સંધ્યાને પોતાનું આખરી ઘર માની લીધુ છે.
સંતાનો મોટા થતા અલગ રહેવા જતા રહ્યા
કોરોના દરમ્યાન તેમનો એક દીકરો અને પુત્રવધુ મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં કમળાબેને પોતાના પૌત્ર-પૌત્રીને સાચવવા તૈયારી બતાવી હતી પરતું સંતાનો મોટા હોવાથી પોતાની જાતે અલગ રહેવા જતા રહ્યા હતા. કમળાબેન કહે છે, દીકરાને મુશ્કેલી પડે તે મા ને કેવી રીતે ગમે? ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેન ત્યક્તેન ભૂંજીથા’ અર્થાત્ ત્યાગીને ભોગવી જાણવાની કળા માત્ર મામાં હોય છે.
એકલાં જીવવા કરતાં વૃદ્ધાશ્રમ પસંદ કર્યો
નારણપુરા પાસે આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતી અનેક માતાએ મધર્સ ડે પ્રસંગે પોતાના સંતાનોની ખુશીમાં જ પોતે ખુશ હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. વૃદ્ધાશ્રમમાં કેટલીક એવી માતા છે જેમણે મજબૂરીવશ ઘર છોડવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં એકલવાયું જીવન જીવવાને બદલે વૃદ્ધાશ્રમનો આશરો પસંદ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.