ગુજરાત વિધાનસભા ચૂંટણીના માહોલમાં હું પ્રચારનો માહોલ જોવા ઘાટલોડિયા તરફ જઈ રહ્યો હતો. આવામાં અચાનક નરેન્દ્ર મોદીનું ભાષણ સંભળાયું તો ચોંકી ગયો કે, અત્યારે તો સભા છે નહીં... પછી અવાજની દિશામાં જોયું તો એક વડીલ આરામથી સાઈકલ લઈને આવતા હતા. આગળના ભાગે ભરાવેલી લાંબી કાઠી પર ભાજપનો ધ્વજ, તેની નીચે લગાવેલું મોટું હોર્ડિંગ અને પાછળ કેરિયર પાસે લગાવેલું સ્પીકર, જેમાંથી ભાષણનો અવાજ આવતો હતો. તુરંત હું જઈને તે વડીલને મળ્યો તો તેમણે કહ્યું, 'મૈં તારાશંકર મિશ્રા ઉર્ફ ડંડા ગુરુ...'
અત્યારે અમદાવાદમાં ધામા, રોજ 35 કિ.મી. ફરવાનું
બસ, અહીંથી તારાશંકર ઉર્ફ ડંડા ગુરુએ પોતાની આવી આગવી ઢબે પ્રચાર કરવાની 30 વર્ષ જૂની સફરનું વર્ણન કર્યું. અત્યારે અમદાવાદમાં સાઈકલ લઈને ફરતા ડંડા ગુરુ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડંડા ગુરુ દરરોજ 30થી 35 કિલોમીટર અમદાવાદના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં તેમની સાઈકલ સાથે ફરે છે. તેમની સાથે ભાજપનો ઝંડો, મોટું બેનર અને સ્પીકર પણ ભાજપના ઉમેદવારને જિતાડવા પ્રચાર કરતા ફરે છે. ડંડા ગુરુ 10 દિવસથી અમદાવાદમાં છે અને તેઓ સાબરમતી, વેજલપુર અને ઘાટલોડિયા વિસ્તારમાં સાઈકલ પર ભાજપનો પ્રચાર કરી ચૂક્યા છે.
અટલજીનું ભાષણ સાંભળ્યું એટલે નક્કી કરી લીધું!
તેમણે કહ્યું કે, "હું 30 વર્ષમાં 10 રાજ્યોનાં નાનાં-મોટાં શહેરોમાં ભાજપનો પ્રચાર કરી ચૂક્યો છું. કદી પાર્ટીના કોઈ નેતા પાસે પૈસા નથી માંગતો. રસ્તામાં કેટલાક હિંદુ ભાઇઓ તેમની ઇચ્છા અનુસાર કોઈકવાર પૈસા આપે છે તો ખર્ચ કાઢવા લઈ લઉં છું. મારી આ સાઈકલ પ્રચારયાત્રાની શરૂઆત અટલ બિહારી વાજપેયીનું હિન્દુત્વ પરનું ભાષણ સાંભળીને થઈ હતી." સાઈકલ પર ફરતાં 58 વર્ષના ડંડા ગુરુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ચંડીગઢ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, દિલ્હી અને રાજસ્થાનમાં પણ જઈ આવ્યા છે. આ રાજ્યો તેમણે સાઈકલ પર ફરી હિંદુત્વ અને ભાજપનો પ્રચાર કર્યો છે.
કેમ સાઈકલ લઇને ભાજપનો પ્રચાર કરે છે ડંડા ગુરુ?
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રહેવાસી ડંડા ગુરુએ જણાવ્યું કે, તેમની પત્ની બે દીકરા અને એક દીકરી સાથે ત્યાં જ રહે છે. છેલ્લાં 30 વર્ષથી તેઓ સાઈકલ મારફતે હિંદુત્વ અને હિંદુત્વને મહત્ત્વ આપતી પાર્ટી ભાજપનો પ્રચાર કરે છે. વાજપેયી વડાપ્રધાન બન્યા એ તેમના માટે સૌથી સુખદ સંભારણું હતું. ત્યારથી ભાજપથી પ્રેરાઈને તેમને લાગ્યું કે ભાજપ હિંદુ હિતોનું રક્ષણ કરે છે. ત્યારથી જ ભાજપનો પ્રચાર કરવાનું તેમણે શરૂ કર્યું. જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં તેમની સાઈકલ લઇને મહિના પહેલાં પહોંચી જાય છે. તેઓ દરરોજ 15 કિલોમીટર સાઈકલ પર ફરીને એકપણ રૂપિયો માગ્યા વગર ભાજપનો પ્રચાર કરે છે.
સામાનના નામ પર સાઈકલ અને બે જોડી કપડાં
58 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી ફિટનેસ સાથે ફરતાં તારાશંકર મિશ્રાને અમે પૂછ્યું કે તમારી યાત્રાનો ખર્ચ કોણ ઉપાડે છે. ત્યારે તેમણે કહ્યું કે, મારી યાત્રાનો ખર્ચ કોઈ પાર્ટી નથી ઉઠાવતી. હિંદુ સમાજના કેટલાક લોકો એમની શ્રદ્ધા પ્રમાણે ક્યારેક રૂપિયા આપે છે. હું કોઈની જોડે પૈસા માંગતો નથી. મારી પાસે સામાનના નામ પર સાઈકલ અને બે જોડી કપડાં રાખું છું. અને થોડી ખાવા-પીવાની વસ્તુ રાખું છું.
ડંડા ગુરુ કઈ રીતે નામ પડ્યું?
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, એક સ્કૂલમાં તેમને શિક્ષકની નોકરી મળી હતી. ત્યારે એક ડંડો તેમની સાથે તેઓ રાખતા હતા અને બાળકોને ભણાવવા માટે ડંડાની બીક બતાવતા હતા. જ્યારે પણ કોઈ વિદ્યાર્થીના ઘરે તેઓ જતાં ત્યારે તેમને ડંડા ગુરુ આવ્યા તેમ કહીને આવકારવામાં આવતા હતા અને ત્યારથી તેઓ ડંડા ગુરુના નામથી જ ઓળખાય છે અને એ ડંડો પણ તેમની સાથે જ રાખે છે.
તારાશંકર મિશ્રા ઉર્ફે ડંડા ગુરુનો પરિવાર
તારાશંકર મિશ્રા ઉર્ફે ડંડા ગુરુ પ્રયાગરાજના ગંગાપુર ઝૂંસી સ્થિત હવાસપુર ગામના રહેવાસી છે. તારાશંકર મિશ્રા પાસે ગામમાં પૂર્વજોની જમીન છે. જેના પર ખેતી કરી તેઓ અનાજની જરૂરિયાત પૂરી કરે છે. ડંડા ગુરુના પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. ત્યારે તેમની પત્ની ગૃહિણી છે. તેમનો મોટો દીકરો છત્તીસગઢમાં એક મંદિરમાં પૂજારી છે. જ્યારે દીકરીનાં લગ્ન થઈ ગયાં છે.
તારાશંકર મિશ્રા ઉર્ફે ડંડા ગુરુ સાથે ખાસ વાતચીત..
DB: તમારી આ રીતે પ્રચારની સફરની શરૂઆત કેવી રીતે કરી અને શું કારણ છે?
ડંડા ગુરુ: જ્યારે પણ ન્યૂઝ ચેનલ પર ચૂંટણી જાહેર થવાના સમાચારો જોઉં એટલે હું સ્વયં ચૂંટણીપૂર્વે મારી સિસ્ટમને લઇને નીકળી પડું છું. જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં પહોંચી જાઉં છું. ત્યાં પહોંચીને હું મારી તૈયારીથી રહું છું અને ત્યાં મારી સિસ્ટમને લગાવી ક્ષેત્રમાં ફરવાનું શરૂ કરી દઉં છું. અહીં આ રીતે પ્રચાર શરૂ કર્યા બાદ તેનો પ્રભાવ પડે છે. લોકોને જાણકારી થાય છે તો મારો સંપર્ક કરે છે.
DB: તમે કેટલાં વર્ષથી સાઈકલ ચલાવો છો અને અત્યાર સુધીમાં ક્યાં ક્યાં ગયા?
ડંડા ગુરુ: મેં અયોધ્યા પ્રકરણ જોયું હતું અને બાબરી મસ્જિદની સમસ્યા પણ જોઈ હતી. મેં જોયું એક ભારતીય જનતા પાર્ટી જ હિન્દુત્વની વાત કરતી હતી અને બાકી બધા માટે હિંદુઓનું નામ લેવું અભિશાપ હતો. બધી પાર્ટીઓ તો મુસલમાનનું નામ જ લેતી હતી. તેમને બધા રાજકીય લાભો આપતી હતી અને હિંદુઓની આપણા દેશમાં પહેચાન ખતમ થઈ રહી હતી. તેમાં મેં જોયું કે એક હિંદુના નેતા અમારા તે સમયના કલ્યાણસિંહજી હતા. ત્યારબાદ સ્વર્ગીય કવિવર અટલબિહારી વાજપેયીજીને જોયા જેમણે હિન્દુત્વ માટે મજબૂતીથી કામ કર્યું. જે જોઇને મને પણ હિંમત મળી કે હવે મારો ભારત મારો દેશ છે. બસ આ પ્રકારથી વિચાર્યું કે સાઈકલ લઇને ભારત ભ્રમણ કરવું જોઇએ.
DB: કઈ કઈ વિધાનસભા બેઠક પર તમે ફર્યા અને કોનો પ્રચાર કરી રહ્યા છો?
ડંડા ગુરુ: હું 19 તારીખથી અહીં અમદાવાદમાં આવ્યો છું અને અહીં ઘાટલોડિયા અને ત્યારબાદ વેજલપુર તેમજ સાબરમતી.. એમ આ ત્રણ વિધાનસભા બેઠકમાં હું ફર્યો. અહીં ભાજપ માટેની સ્થિતિ પણ મજબૂત છે. સૌ કોઈ એક જ નારા લગાવી રહ્યા છે કે, અહીં ભાજપ ખૂબ સારા આંકડાથી જીતશે. આ વખતે મજબૂતીથી સરકાર બનશે.
DB: દરરોજ કેટલા કિલોમીટર ફરો છો, તમારો કાર્યક્રમ શું રહે છે?
ડંડા ગુરુ: આખા દિવસમાં હું લગભગ દરરોજ 30-32, 35 કિલોમીટરની યાત્રા કરું છું. સાઈકલનાં પેડલ ચાલે તેની સાથે ભાજપનો પ્રચાર પણ શરૂ થઈ જ જાય છે.
DB: તમે ભાજપનો પ્રચાર કરો છો તો તમે શું પરિણામ લાવવા માગો છો?
ડંડા ગુરુ: જો હું હિંદુ છું તો મારા હિંદુત્વને છોડી શકતો નથી. એટલા માટે હિંદુત્વ પકડીને જે પાર્ટી કામ કરી રહી છે. તે ભાજપ તો ભાજપ માટે કામ કરવું છે. ખુલ્લીને કામ કરવું છે. ખુલ્લીને બોલવું છે. પરિણામ સારું લાવવું છે. અને હવે દરેક પાર્ટીઓ નબળી પડીને અંદરોઅંદર જ લડીને સમાપ્ત થઈ જશે. અને આ જ મારો ભારત અને ભારતવાસીઓ માટે સારો સંદેશ છે. જનાદેશ સારો મળે. અને આપણું મજબૂત પ્રશાસન એવી પ્રણાલિથી કામ કરે અને એવું કામ કરે કે આપણે કમજોરીનો સામનો ના કરવો પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.