શિવાંશ-મહેંદી કેસ:પહેલા મહેંદીની હત્યા કરીને શિવાંશને ત્યજી દીધો, બાદમાં સચિન પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • સચિન અને મહેંદીના પ્રેમપ્રકરણ 2019માં પિતાએ પકડ્યું પછી કોઈ સંબંધ ન હોવાનું સચિન કહેતો
  • મહેંદીની હત્યાથી લઈને શિવાંશને ત્યજી દેવાની ઘટનાના પુરાવા મળ્યા, હવે રિકન્સ્ટ્રક્શન થશે

આખું ગુજરાત જ નહીં, દેશ-દુનિયામાં શિવાંશના હસતા ચહેરાને કોઈ ભૂલી નહીં શકે, પણ તે હાલ મા-બાપ વિનાનો નોધારો થઈ ગયો છે. માતાની હત્યાના આરોપમાં પિતા પોલીસ રિમાન્ડ પર છે. જ્યારે માતા હવે દુનિયામાં નથી રહી અને શિવાંશ બાળ સંરક્ષણગૃહમાં છે. હવે કાયદાકીય બાબત અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે. આ અંગે ગાંધીનગર જિલ્લાના ડીએસપી મયૂર ચાવડાએ દિવ્ય ભાસ્કરને ખાસ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે શિવાંશને ત્યજીને સચિન તેની પહેલી પત્ની સાથે શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયો હતો.

દિવ્ય ભાસ્કર: શિવાંશ કેસમાં આરોપીની સૌથી પહેલી કડી કઈ મળી? જેના આધારે કેસ ઉકેલાયો
DSP: અમારા માટે આ કેસ ખૂબ જ ચેલેન્જિંગ હતો. બાળક મળી આવ્યું, પણ તેને કોણ લાવ્યું એ જાણવું મહત્ત્વનું હતું અને જે માટે અમે ગાંધીનગર જિલ્લાના ટેક્નિકલ સર્વેલન્સ શોધી રહ્યા હતા. એ સમયે ભાટ પાસે એક જગ્યાએ સીસીટીવીમાં કારમાં બાળક અને સચિન દેખાયા, ત્યાર બાદ આખી ઘટનાની કડીઓ જોડાતી ગઈ.
દિવ્ય ભાસ્કર: મહેંદી વિશે આરોપી સચિને કઈ કબૂલાત કરી
DSP: સચિન બાળકને મારવા માગતો ન હતો, પણ મહેંદી તેને ક્યાંય જવા દેવા માગતી ન હતી. તેથી એ દિવસે તેણે મહેંદીની હત્યા કરીને લાશને પોતાની કારમાં નાખીને નાશ કરવા માગતો હતો. તે લાશને ઊંચકી ન શક્યો, જેથી ત્યાં જ મૂકી દીધી હતી.
દિવ્ય ભાસ્કર: સચિને બાળક વિશે કઈ કબૂલાત કરી?
DSP: સચિન બાળકને લઇને બે વખત નિકાલ કરવા પ્રયાસ કર્યો, પણ આખરે તેણે ગૌશાળામાં મૂકીને તેની પત્ની પાસે ગયો હતો, જ્યાંથી તે પત્નીને લઈને ગાંધીનગરના મોલમાં જઈને શોપિંગ કરવા ગયો હતો અને પછી ગાંધીનગર છોડીને જતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર: સચિનના અનૈતિક સંબંધ વિશે કોને ખબર હતી.
DSP: સચિનના મહેંદી સાથેના પ્રેમપ્રકરણની જાણ તેના પિતાને થઈ ગઇ હતી. 2019માં આ જાણ થયા બાદ સચિન તેના પિતાને આ સંબંધ પૂરા થવાનું કહેતો હતો, પણ ખરેખર તેના સંબંધ ચાલુ જ હતા.
દિવ્ય ભાસ્કર: સચિનની પત્નીની પૂછપરછમાં શું જાણવા મળ્યું?
DSP: સચિનની પત્ની માનસિક રીતે ભાગી પડી છે. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેને સચિનના સંબંધ વિશે કોઈ જાણ ન હતી.
દિવ્ય ભાસ્કર: આ કેસમાં હવે પોલીસ દ્વારા શી કાર્યવાહી કરવામાં આવશે?
DSP: આજે અમે ઘટનાના રિકન્સ્ટ્રક્શન કરવાના છીએ. એ માટે આજે પેથાપુર ટીમ સાથે જવાના છીએ.