હવે સાવધાન થઈ જજો:25 જાન્યુઆરી પછી અમદાવાદમાં રોજ કોરોનાના 21 હજાર તો રાજ્યમાં દૈનિક 50 હજાર કેસ નોંધાવાની શક્યતાઃ IISc-ISIનું તારણ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IISC અને ISI નામની સંસ્થાએ હાથ ધરેલા અભ્યાસનું ચોંકાવનારું તારણ
  • સાયન્ટિફિક મેથેડોલોજીથી મોટાં શહેરોમાં દૈનિક કેસનો અંદાજ કઢાયો

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ (ISI), બેંગલુરુએ દેશમાં વધી રહેલા કોરોના-ઓમિક્રોનના કેસો અંગે કરેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે કેસ વધવાની હાલની ગતિ જોતાં 25 જાન્યુઆરી બાદ ગુજરાતમાં દરરોજ 50 હજારથી વધુ અને અમદાવાદમાં 21 હજારથી વધુ કેસ આવી શકે છે. જોકે રાજ્યમાં ટેસ્ટિંગ કેટલાં થાય છે એના પર આ આંકડો નિર્ભર છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

IISc અને ISIના રિસર્ચરોએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટને પણ આ રિપોર્ટ આપ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગ જુદા જુદા રિસર્ચ મોડલ આધારે ફેર સંશોધન કરી રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે. રાજ્ય સરકારના સિનિયર ડૉક્ટરો પણ આગામી 15 જાન્યુઆરી પછી અમદાવાદમાં 6 હજારથી વધુ કેસ આવવાનો અંદાજ માંડી રહ્યા છે.

સિનિયર ડૉક્ટરોનું કહેવું છે કે ગુજરાતમાં કોરોના કેસ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. 25થી 30 જાન્યુઆરી દરમિયાન કોરોનાની પીક જોવા મળશે. એ સમયે મહત્તમ કેસો નોંધાશે અને ત્યાર બાદ ધીમે ધીમે કેસોની સંખ્યા ઘટતી જશે. પહેલી માર્ચ સુધીમાં કોરોનાના કેસ બે અંકમાં આવી જશે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

હાલ એક કોરોનાગ્રસ્ત વ્યક્તિ 3થી 4ને ચેપ લગાડી રહી છે
સાયન્ટિફિક મેથેડોલોજી (R0)ના આ અભ્યાસ મુજબ હાલ કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ 3.7 લોકોને સંક્રમિત કરી રહી છે જ્યારે બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટગ્રસ્ત એક વ્યક્તિ 2.1 લોકોને સંક્રમિત કરી શકી હતી. રિપ્રોડક્ટિવ રેટનું પ્રમાણ એક કરતાં નીચે જાય ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ હોવાનું મનાય છે. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ જુદાં જુદાં ત્રણ મોડલ પર સંશોધન કરી રહ્યો છે અને ​​​​​​એનો રિપોર્ટ સરકારને આપવામાં આવશે.