કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. હાર્દિકે કોંગ્રેસ પર લગાવેલા ગંભીર આરોપો બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાતના પ્રભારી રઘુ શર્મા દિલ્હી પહોંચ્યાં છે. તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મામલે પણ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કરશે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત સાથે જ 15 મી જૂન પહેલા રાજકોટ ખાતે કોંગ્રેસના મહાસંમેલનની તૈયારી શરૂ થઈ ગઈ. મહા સંમેલનના આયોજનને અંતિમ સ્વરૂપ પણ અપાઈ રહ્યુ છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વિધિવત્ જાહેરાત આખરી તબક્કામાં છે.
નરેશ પટેલની સોનિયા ગાંધી સાથે મુલાકાત ટળી
આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મોટા કમીટમેન્ટ અંગે ચર્ચા થવાની હતી. પરંતુ આજે ફરીવાર આ મુલાકાત ટળી છે. નરેશ પટેલ સિંગાપોરથી રાત્રે દિલ્લી પરત ફરશે. પરંતુ એક સપ્તાહમાં ફરીવાર આ મુલાકાત થશે. નરેશ પટેલનું કોંગ્રેસમાં આગમન ધીમે ધીમે નક્કર સ્વરૂપ લેતુ જાય છે. ખાસ તો નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા કે કેમ તે અંગે આ મંત્રણા યોજાયાનું કહેવાય છે.
નરેશ પટેલને લેવાની વાતો કરે છે પણ હજુ નિર્ણય લીધો નથીઃ હાર્દિક
ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલે ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધતા અમદાવાદમાં કહ્યું કે કોંગ્રેસની પાસે ગુજરાતમાં શું કરવું જોઇએ તે અંગેનું વિઝન નથી. કોંગ્રેસ માત્ર જાતિવાદી રાજકારણ કરી જાણે છે. મેં 2015થી જાહેર જીવનમાં ઝૂકાવ્યું અને પાછલાં ત્રણ વર્ષ હું કોંગ્રેસમાં રહ્યો. કોંગ્રેસ દરેક વ્યક્તિનો માત્ર ઉપયોગ કરીને તેને તરછોડી દે છે અને મારી સાથે પણ આવું જ થયું. તેઓ કહે છે કે હાર્દિકને કોંગ્રેસે ઘણું આપ્યું, પરંતુ ખરેખર કાંઇ આપ્યું જ નથી.પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે, પણ હજી કોઈ નિર્ણય લીધો નથી. મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં જગદીશ ઠાકોર સહિતના નેતાઓ નરેશ પટેલને મળ્યા
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી મળી હતી, એ પૂર્વે કોંગ્રેસના 5 દિગ્ગ્જ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે,'નરેશ પટેલ સાથે માત્ર ચા પાણી પીવા આવ્યા હતા અને આ એક શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટીની કોઈ ચર્ચા થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.