હાર્દિક પછી વિશ્વનાથસિંહનો વારો!:હાર્દિકના નિકટના યુથ કોંગ્રેસના પ્રમુખને હટાવવા કાર્યકરોનો બળવો, ઈન્દ્રવિજયસિંહ ગ્રુપમાં જંગ જીત્યા જેવો માહોલ

અમદાવાદએક મહિનો પહેલા
હાર્દિક પટેલ સાથે વિશ્વનાથસિંહ વાઘેલાની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ સાથે વિશ્વનાથસિંહ વાઘેલાની ફાઈલ તસવીર
  • હાર્દિકના નજીક મનાતા વિશ્વનાથસિંહ વાઘેલા યુથ કોંગ્રેસ પ્રમુખ
  • કોંગ્રેસ પક્ષના નેતા ઈન્દ્રવિજયસિંહ ગ્રુપના સમર્થકોમાં ખુશી

હાર્દિકે પટેલે આજે કોંગ્રેસ પક્ષની જવાબદારીમાંથી રાજીનામું આપીને પક્ષ સાથે છેડો ફાડયો હતો, હાર્દિકે કોંગ્રેસ છોડતા હાર્દિકના સમર્થકો જે કોંગ્રેસમાં હાર્દિક સાથે જોડાયા હતા અને હાર્દિકની સાથે રહ્યા હતા તે હવે ચિંતામાં મુકાયા છે. હાર્દિક પટેલના અંગત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલા વિરુદ્ધમાં હવે પક્ષમાં જ બળવો શરૂ થયો છે, વિશ્વનાથસિંહના રાજીનામાની માંગ લઈને પ્રદેશ કારોબારી બોલાવવાની માંગ કરી છે. બીજી તરફ હાર્દિકના જવાથી કોંગ્રેસના જ નેતાનું એક ગ્રૂપ ફરીથી સક્રિય થયું છે. હાર્દિક પટેલના રાજીનામાં સાથે કોંગ્રેસ પક્ષ ચિંતામાં મુકાયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા ઇન્દ્રવિજયસિંહ ગ્રુપના યુવાઓએ સોશિયલ મીડિયામાં ઇન્દ્રવિજયસિંહનો ફોટો મૂકીને તેમના નેતૃત્વના વખાણ કર્યા છે. જોકે આ અંગે ઇન્દ્રવિજયસિંહે કઈ જવાબ આપ્યો નહતો.

હાર્દિકની ભલામણથી વિશ્વનાથસિંહ યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા
યૂથ કોંગ્રેસના ઇલેક્શન સમયે અનેક તકરાર વચ્ચે હાર્દિક પટેલની ભલામણથી વિશ્વનાથસિંહ વાઘેલાને યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલના મોટા ભાગના કાર્યક્રમમાં વિશ્વનાથસિંહ હાજર રહેતા હતા, તાજેતરમાં જ હાર્દિક પટેલના પિતાની પ્રથમ વાર્ષિક તિથિએ પણ વિશ્વનાથસિંહ વહેલી સવારથી કાર્યક્રમ સુધી હાર્દિકની સાથે રહ્યા હતા. હાર્દિક પટેલના તેઓ ખૂબ જ અંગત માનવામાં પણ આવે છે, ત્યારે હાર્દિકે કોંગ્રેસ પક્ષનો વિરોધ બળવો કરતા હવે યૂથ કોંગ્રેસે પ્રમુખ સામે જ બળવો કર્યો છે.

યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલ વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ
યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલ વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ

વોટ્સએપ ગ્રુપમાં રાજીનામાંની માંગ ઉઠી
યૂથ કોંગ્રેસના વૉટસએપ ગ્રુપમાં અત્યારે વિશ્વનાથસિંહ વિરુદ્ધમાં ટિપ્પણી થઈ રહી છે. જેમાં એવું લખ્યું છે કે, વિશ્વનાથસિંહે ચોખવટ કરવી પડશે કે તેઓ હાર્દિકના વફાદાર છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના, તેઓ કોંગ્રેસ પક્ષ માટે વફાદાર હોય તો હાર્દિક વિરુદ્ધમાં ટ્વીટ કરીને સાબિત કરે. તાત્કાલિક ધોરણે પ્રદેશની કારોબારી બેઠક બોલાવવામાં આવે જ્યાં સુધી બેઠક બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી હવે કોઈ કાર્યક્રમ નહીં થાય. આમ વિશ્વનાથસિંહના પણ રાજીનામાની માંગ હવે થઈ રહી છે.

80 ટકા માળખું વિશ્વનાથસિંહના વિરોધમાં
કોંગ્રેસ પક્ષના જ સૂત્રએ જણાવ્યું હતું કે, વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિકના અંગત છે અને હજુ હાર્દિકના સંપર્કમાં છે. હાર્દિક પટેલે પૈસા અને ભલામણથી તેમને પ્રમુખ બનાવી દીધા છે. હવે વિશ્વનાથ કોંગ્રેસના વફાદારએ હોય તો તેમને સાબિત કરવું જોઈએ. 80 ટકા માળખું અત્યારે વિશ્વનાથસિંહના વિરોધમાં છે. જ્યાં સુધી પ્રદેશની કારોબારી નહીં યોજાય અને કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી અમે કોઈ કાર્યક્રમ નહીં કરીએ.

કોંગ્રેસમાં ઈન્દ્રવિજયસિંહ ગ્રુપમાં ખુશી
હાર્દિક પટેલના કોંગ્રેસના આગમન બાદ કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ સાઈડલાઈન થયા હતા. પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને વધુ મહત્વ આપવામાં આવતું હતું. વર્ષોથી પક્ષ સાથે સંકળાયેલા અને યુવાઓના લોકપ્રિય નેતા કહેવાતા ઇન્દ્રવિજયસિંહ હાર્દિક પટેલના આગમનને લઈને ખુશ નહોતા. ઇન્દ્રવિજયસિંહના સમર્થકોમાં પણ નારાજગી હતી જેને લઈને કોંગ્રેસમાં 2 જૂથ શરૂ થયા હતા. જેમાં એક હાર્દિકના સમર્થકોનું જૂથ અને બીજી ઇન્દ્રવિજયસિંહના સમર્થકોનું જૂથ. બંને જૂથ વચ્ચે અંદર અંદર શીત યુદ્ધ ચાલી રહ્યા હતા. બંને જૂથના લોકો એક બીજાના કાર્યક્રમમાં પણ હાજરી આપવાનું ટાળતા હતા.

હવે જ્યારે હાર્દિક પટેલે રાજીનામુ આપ્યું છે ત્યારે ઇન્દ્રવિજયસિંહના સમર્થકોને ગ્રુપમાં ખુશી જોવા મળી છે. સમર્થકોએ પોતાના વોટ્સએપ, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણે જંગ જીત્યા હોય તે પ્રકારે ઇન્દ્રવિજયસિંહના ફોટા પોસ્ટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...