પરિણામ:ગુજરાત સરકાર અને રાજકારણ બાદ રાજ્યના શિક્ષણ બોર્ડમાં હવે પાટીદારોનો દબદબો, 7 માંથી 5 પાટીદાર ઉમેદવારો જીત્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીનું મતદાન - Divya Bhaskar
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીનું મતદાન
  • મોડી રાત સુધી સંચલાક મંડળની બેઠક માટે મતગણતરી ચાલી હતી
  • નારણભાઈ પટેલ અને પ્રિયવદન કોરાટે રીકાઉન્ટિંગ માંગ્યુ હતુ

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામા આવ્યુ હતુ અને જેમાં 7 બેઠકોમાંથી 5 બેઠકોમાં પાટીદાર ઉમેદવારો જીત્યા છે. આમ હવે ગુજરાત શિક્ષણ બોર્ડમાં પણ પાટીદારોનો દબદબો જોવા મળશે. સંચાલક મંડળની બેઠક મુદ્દે મોડી રાત સુધી રી-કાઉન્ટિંગ ચાલ્યુ હતું. શિક્ષણ બોર્ડના કુલ 26 સભ્યોમાંથી હોદ્દાની રૃએ નિમાતા સભ્યોને બાદ કરતા બાકીના ખ વર્ગમાં યોજાયેલી 9 બેઠકોની ચૂંટણીમાં અઘાઉ બે બેઠકો બિનહરિફ થયા બાદ 7 બેઠકો માટે 25મીએ મતદાન પ્રક્રિયા થઈ હતી.જેમાં 50 હજારથી વધુ મતદારોએ મતદાન કરતા 67 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું.

ચારથી પાંચ મતને લઈને કોકડું ગુંચવાયુ હતું
સૌથી વધુ વગધરાવતી સંચાલક મંડળની બેઠક માટે ભારે ખેંચતાણ થઈ હતી અને બે વાર રીકાઉન્ટિંગ માંગવામા આવ્યુ હતું. છ ઉમેદવારોમાંથી નારણભાઈ પટેલને અગાઉ 6 મતથી વિજેતા જાહેર કરાયા હતા. પરંતુ હરિફ ઉમેદવાર પ્રિયવદન કોરાટે રીકાઉન્ટિંગ માંગ્યુ હતુ. ત્યારબાદ રીકાઉન્ટિંગમાં પ્રિયવદન કોરાટ એક મતથી જીત્યા હતા.પરંતુ ફરી નારણ પટેલે પણ રિકાઉન્ટિંગ માંગ્યુ હતું. અને મોડી રાત સુધી સંચલાક મંડળની બેઠક માટે મતગણતરી ચાલતા આ બેઠકમાં ચારથી પાંચ મતને લઈને કોકડું ગુંચવાયુ હતું.

7 બેઠકો માટે 25મી સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા થઈ હતી.
7 બેઠકો માટે 25મી સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા થઈ હતી.

વાલીમંડળની બેઠકને લઈને મોટો વિવાદ થયો હતો
સાત બેઠકોની ચૂંટણીમાંથી પાંચ બેઠકોમાં પાટીદાર ઉમેદવારો વિજેતા થતા બોર્ડની ચૂંટણીમાં પણ પાટીદાર ફેકટર મહત્વનું સાબિત થયુ છે અને ગુજરાત સરકાર અને રાજકારણ બાદ હવે ગુજરાત બોર્ડમાં પણ પાટીદારોનો દબદબો જોવા મળશે. અગાઉ સરકારી સ્કૂલ શિક્ષકની બેઠકમાં ભાવનગરના વિજય ખટાણા અને બી.એડ કોલેજ આચાર્યની બેઠકમાં રાજકોટના નીદિત બારોટ બિનહરિફ થયા હતા.વાલીમંડળની બેઠકને લઈને મોટો વિવાદ થયો હતો.એક ઉમેદવારે ફરિયાદ ઉઠાવી છે કે સંચાલક રહી ચુકેલા ઉમેદવાર વાલી પ્રતિનિધી કઈ રીતે બની શકે?આ મુદ્દે કોર્ટ સુધી મામલો પહોંચી શકે છે.

કઈ બેઠક પર કોણ વિજેતા બન્યું

  • આચાર્યમાં જે.પી. પટેલ (સંતરામપુર)
  • શિક્ષકમાં જશવંત રાવલ (રાધનપુર),
  • માધ્યમિક શિક્ષકમાં હસમુખ પટેલ (ખેડબ્રહ્મા)
  • બિન શૈક્ષણિક કર્મચારીમાં મુકેશ પટેલ (પાટણ)
  • ઉચ્ચતર માધ્યમિક શિક્ષકમાં મુકેશ પટેલ (છોટા ઉદેપુર)
  • વાલી મંડળની બેઠક પર ધીરેન વ્યાસ (અમદાવાદ)