અમદાવાદમાં પ્રેમ સંબંધમાં હૂમલાઓ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજસ્થાનથી પ્રેમિકાને ભગાડીને અમદાવાદ આવેલા પ્રેમી પર કેટલાક શખ્સોએ છરીથી હૂમલો કર્યો હતો. આ સમયે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું, ત્યારે પ્રેમી સાથે લગ્ન કરવા અમદાવાદ આવેલી પ્રેમિકા પણ હૂમલાખોરો સાથે બાઈક પર બેસીને ભાગી ગઈ હતી. આ ઘટના અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમિકા સાથે લગ્ન કરવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો
નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે જોઈએ તો રાજસ્થાનના શિરોહી જિલ્લાના વતની કાંતિલાલ દાનારામ કલબીએ તેના ગામના પુનમારામ રણછોડજી કલબી, દિનેશ સોમાજી અને પ્રકાશ સોમાજી કલબી સહિત ચાર જના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે કાંતિલાલને તેના જ ગામની પોતાના સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે એક ગામના હોવાથી લગ્ન ના થાય તેમ હોઈ કાંતિલાલ તેની પ્રેમિકા અને સાથે એક મિત્રને લઈને 27 એપ્રિલે ભાગીને અમદાવાદ આવ્યો હતો.
યુવકે ફરિયાદીને ખભાના ભાગે છરીનો ઘા માર્યો
નરોડામાં જયભવાની ભોજનાલય પાસે ફરિયાદી તેની પ્રેમિકા અને મિત્ર સાથે ઉભો હતો. આ સમયે બે બાઈક પર પુનમારામ સહિત 4 જણા આવ્યા હતા. પુનમારામે યુવતીનું નામ,ગામ વગેરે પૂછ્યા બાદ કાંતિલાલ અને તેના મિત્રને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. તેમજ તેની સાથે આવેલા ત્રણ જાણાઓએ લાકડાના દંડા વડે ફરિયાદીને માર માર્યો હતો. મોં પર કપડું બાંધેલ એક આરોપીએ ચપ્પુ કાઢી કાંતિલાલને ખભા પર મારતા બુમાબુમ થઈ હતી. જ્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આ દરમિયાન આરોપીઓએ બાઈક લઈને જતા જતા ધમકી આપી કે, આજે તો તને જવા દઈએ છીએ, ફરી મળ્યો તો જાનથી મારી નાખીશું. કાંતિલાલની પ્રેમિકા પણ આરોપીઓ સાથે બાઈક પર બેસી જતી રહી હતી. ડરના માર્યા કાંતિલાલ અને તેનો મિત્ર પોતાના ગામ જતા રહ્યા હતા.બાદમાં 5 મેના રોજ પરત અમદાવાદ આવ્યા બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નરોડા પોલીસે કાંતિલાલની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.