ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો કિસ્સો બાપુનગર પોલીસ સ્ટેશનમાં સર્જાયો છે. જ્યાં પ્રોહિબિશનના ગુનામાં આરોપીને પોલીસ પકડી લાવતા આરોપીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને PSI સહિતના પોલીસ કર્મીઓને માર માર્યો હતો. PSIનો કોલર પકડીને ધમકી આપી હતી કે હવે કેવી રીતે નોકરી કરો છો? આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એ એન પટેલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે અને તેઓના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન સાંજે પાંચ વાગે બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં આવી હતી. જેમાંથી એક મહિલાએ આવીને કહેવા લાગેલી કે મારા ભાઈ વીકી કોળીને કેમ લાવ્યા છો. જેથી PSI એ તેને જણાવ્યું હતું કે, વિકી કોળી સોનેરીયા બ્લોક ખાતે દારૂ પીને બીભત્સ વર્તન કરતો હતો અને તેના વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તેમ જણાવતા આ બંને મહિલામાંથી એક મહિલાએ બૂમાબૂમ કરી તમે વિકીને અવારનવાર ખોટો પકડો છો એમ કહીને PSI તેમજ પોલીસના અન્ય સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી.
મહિલાને પોલીસે માથાકૂટ કરવાની મનાઈ કરતા મહિલાએ PSI સહિતના પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી અને છૂટાહાથની મારામારી કરી હતી. એટલે ના અટકતા PSIનો કોલર પકડી લાતો મારવા લાગી હતી અને ધમકી આપી હતી કે, તમે મારા ભાઈને પકડ્યો છે... તમે હવે કેવી રીતે નોકરી કરો છો? તે હું જોઈ લઈશ. બબાલ જોઈને અન્ય પોલીસ કર્મીઓએ આ મહિલાને પકડી તેનું નામ પુછતા છાયાબેન કોળી અમરાઈવાડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આરોપી મહિલા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.