ગીરમાં ગુંજારવ:86 વર્ષ પછી ગીર જંગલમાં ચિલોત્રા પક્ષીઓને મૂકવામાં આવ્યા, જંગલમાં વૃક્ષો વાવવાનું કામ કરે છે આ પંખી

અમદાવાદ5 મહિનો પહેલા
  • ગુજરાતના અરવલ્લી, ડાંગ જેવા જંગલોમાં ગ્રે હોર્નબિલ પંખી જોવા મળે છે

ઈન્ડિયન ગ્રે હોર્નબિલ નામનું મોટું પક્ષી છે. એનું ગુજરાતી નામ ચિલોત્રો. ગ્રે હોર્નબિલ વિશ્વભરમાં અલગ-અલગ રંગરૂપમાં જોવા મળે છે પણ ભારતમાં અમુક પ્રકારના જ ચિલોત્રો જોવા મળે. કેરળમાં રંગીન હોર્નબિલ હોય, ગુજરાતમાં જોવા મળે તે ગ્રે કલરનું હોર્નબિલ. હોર્ન એટલે શિંગડું અને બિલ એટલે ચાંચ. જેની ચાંચ ઉપર વધારાનું શિંગડું છે તે હોર્નબિલ... 86 વર્ષ પહેલાં 1936ની સાલમાં આ પક્ષી ગીર જંગલમાં હતા, પછી ગીરમાંથી વિલુપ્ત થઈ ગયાં. ગુજરાતમાં અત્યારે અરવલ્લીના જંગલ, ગાંધીનગરની આસપાસના વિસ્તાર, ડાંગના જંગલમાં આ પક્ષી જોવા મળે. જંગલનો વિસ્તાર વધારવામાં, નવા વૃક્ષો ઉગાડવામાં આ ચિલોત્રા પક્ષીનું મોટું યોગદાન છે. ઈન શોર્ટ, ગીરને વધારે ગ્રીન કરવું હોય તો ગ્રે હોર્નબિલ જ કરી શકે. કુદરતે ગ્રે હોર્નબિલને ફળાઉ વૃક્ષો વાવવાની જવાબદારી સોંપી છે. -અને એટલે જ 20 જેટલા ચિલોત્રાને બાલારામથી પકડીને ગીર જંગલમાં છોડવામાં આવ્યા છે.

ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને ડિવાઈઝ પહેરાવાઈ રહ્યું છે
ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને ડિવાઈઝ પહેરાવાઈ રહ્યું છે
આ છે સોલાર સેટેલાઈટ ડિવાઈઝ
આ છે સોલાર સેટેલાઈટ ડિવાઈઝ
પક્ષીની ઓળખ માટે પગમાં રિંગ પહેરાવાઈ હતી
પક્ષીની ઓળખ માટે પગમાં રિંગ પહેરાવાઈ હતી

ગ્રે હોર્નબિલ ગીર માટે કેમ ઉપયોગી ?
ગ્રે હોર્નબિલ માત્ર ગીર માટે જ નહીં, કોઈપણ જંગલ માટે ઉપયોગી થઈ શકે તેવું પંખી છે. એની પાછળનું કારણ એ છે કે, ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રા પક્ષીનો મુખ્ય ખોરાક કોઈપણ વૃક્ષના ફળ છે. ફળ એટલે કેળાં, ચીકુની વાત નથી. જેમ કે, વડના ટેટા હોય તો એ તેનું ફળ છે. લીમડામાં લીંબોડી, ખીજડાના બી, ગરમાળાની શિંગ એ જે-તે વૃક્ષના ફળ છે. આ પ્રકારના દરેક ફળ ગ્રે હોર્નબિલનો મુખ્ય ખોરાક છે. આની ખાસિયત એ છે કે, તે વૃક્ષમાંથી ફળ તોડે પણ દરેક ફળ ખાય નહીં. અમુક ફળને તોડીને ચાંચમાં પકડીને ઉડતાં ઉડતાં નીચે પાડે, આવી રીતે રોજ સંખ્યાબંધ ફળ (બીજ)ને તે જંગલના અલગ અલગ ભાગમાં ફેંકે અને આ બીજ ફલિત થઈને વૃક્ષ બને. ગ્રે હોર્નબિલ પક્ષી જંગલમાં વૃક્ષો વાવવાનું કામ કરે છે.

સોલાર સેટેલાઈટ ડિવાઈઝ
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્ડિયન ગ્રે હોર્નબિલને રિ-ઈન્ટ્રોડ્યુસ એટલે પુનઃસ્થાપિત કરવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેનાથી ગીરમાં ફરી ચિલોત્રા પક્ષીની વસતિ પાછી લાવી શકાય. 20 જેટલા ચિલોત્રાને અંબાજી નજીક બાલારામ વિસ્તારમાંથી અનુભવી ટ્રેપર્સ અને નિષ્ણાતોની મદદથી પકડવામાં આવ્યા અને સાસણ લઈ જઈ તેના પગમાં ટેગ મારવામાં આવ્યા હતા. એમાં સૌર ઉર્જાથી સંચાલિત સેટેલાઈટ ડિવાઈઝ પહેરાવાયું હતું અને પગમાં રિંગ પહેરાવવામાં આવી હતી. સોલાર ઉર્જા સાથેના સેટેલાઈટ ડિવાઈઝ મારફત ટ્રાન્સમિટર્સ દ્વારા ડેટા મેળવી શકાય. રિંગમાં પક્ષીની ઓળખ માટે કોડ લખેલો હોય.
આ અંગે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય ભૂષણભાઈ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રના પક્ષીવિશેષજ્ઞ ધર્મેન્દ્રસિંહજી રાઓલ અને પક્ષીવિદ્દ લવકુમાર ખાચરની સ્મૃતિમાં ટેગ તૈયાર કરવામાં આવ્યા. જેમાં 'RSD' અને 'LK' લખવામાં આવ્યું. આ ટેગ ઈન્ડિયન ગ્રે હોર્નબિલના ડાબા પગમાં બાંધવામાં આવ્યા હતા. ગીરમાં 86 વર્ષ પછી 10 જોડી એટલે 20 બર્ડ મૂકવામાં આવ્યા છે. મને યાદ છે ત્યાં સુધી 1980માં પણ 6 કે 8 હોર્નબિલ બર્ડ મૂકવામાં આવ્યા હતા પણ એ કદાચ ગીર બહાર જતા રહ્યા હોય એવું પણ બને.

ગીર જંગલમાં ચિલોત્રોને છોડવામાં આવ્યા હતા
ગીર જંગલમાં ચિલોત્રોને છોડવામાં આવ્યા હતા
પોતાના જૂના જંગલ ગીરમાં નવી ઉડાન
પોતાના જૂના જંગલ ગીરમાં નવી ઉડાન
ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)નો ગીરમાં ગુંજારવ
ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)નો ગીરમાં ગુંજારવ

તાંત્રિક વિદ્યા માટે ખૂબ શિકાર થયા
ગ્રે હોર્નબિલ પક્ષી માટે અગાઉ જાતજાતની માન્યતા હતી. વળગાડ હોય, અશાંતિ હોય, જૂની ઉધરસ હોય તો ગ્રે હોર્નબિલ પક્ષીના પગનું હાડકું દોરામાં બાંધીને ગળામાં પહેરવાથી સમસ્યાઓ દૂર થાય છે. આવી માન્યતાઓ એકસદી પહેલાં હતી અને ત્યારે રસ્તા, ટેકનોલોજી, વાહનો, વનકાયદા એવું કાંઈ નહોતું. એટલે જંગલમાં ઘૂસીને શિકારીઓ આસાનીથી શિકાર કરી શકતા. ધીમે ધીમે ચિલોત્રાની વસતિ ગીરમાંથી ઘટવા લાગી અને છેલ્લે 1936માં ગીરમાં ચિલોત્રા જોવા મળ્યા.

અન્ય સમાચારો પણ છે...