અમદાવાદ શહેરના નિકોલ- કૃષ્ણનગર વિસ્તારમાં તાડી પીધા બાદ યુવક બેભાન થઈ ગયો હતો. બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. યુવક સંબંધી યુવક સાથે નિકોલ વિસ્તારમાં તલાવડી પાસે તાડી પીવા ગયો હતો અને ઠક્કરબાપાનગર બ્રિજ પાસે આવતા અચાનક બેભાન થઈ નીચે પડી જતા સારવાર માટે શારદાબેન અને ત્યાંથી GCS હોસ્પિટલમાં લઇ ગયા હતા. નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
યુવકના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું
મૃતકનું પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તાડી પીધા બાદ મોત થયું છે કે નીચે પડી જવાથી વાગવાથી બેભાન થઈ જતા મોત થયું છે તે રિપોર્ટમાં બહાર આવશે. જો કે પોલીસે તાડી પીવા ક્યાં ગયા હતા તેની હજુ તપાસ કરી નથી.
યુવકને શારદાબેન હોસ્પિટલ બાદ GCS હોસ્પિટલ ખસેડાયો હતો
બાપુનગરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પાટણનગરમાં રાહુલ પટણી નામનો 20 વર્ષનો યુવક પરિવાર સાથે રહેતો હતો. બે દિવસ પહેલા જ સાંજે તેના સંબંધી યુવક મયુર સાથે ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ગયો ત્યારે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાહુલ મયુર સાથે કૃષ્ણનગર- નિકોલ બાજુ તલાવડી નજીક તાડી પીવા માટે ગયો હતો. ત્યાંથી રાતે બંને ઠક્કરબાપાનગર બ્રિજ પાસે આવ્યા ત્યારે રાહુલ અચાનક ઢળી પડ્યો હતો અને માથામાં હાથમાં ઇજા થઇ હતી. બાદમાં બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે પહેલા શારદાબેન હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ત્યાંથી GCS હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી
ઘટના મામલે પરિવારને જાણ કરવામાં આવતા તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સમગ્ર બાબતે માહિતી મેળવતા બંને તાડી પીવા ગયા હતા અને બાદમાં રાહુલ પડી જતા બેભાન થઈ ગયો હતો. નિકોલ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશનના PSI પી.જે પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને કૃષ્ણનગર બાજુ તાડી પીવા ગયા હતા જો કે તાડી પીધી હતી અથવા કોઈ અન્ય કારણ છે તે તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.