સાવચેત રહેજો:દિવાળી પછી ગુજરાતમાં કોરોનાના કેસો વધતા સરકાર રાત્રિ કર્ફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા

અમદાવાદ20 દિવસ પહેલા
આ ફાઈલ તસવીર છે.
  • મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને એલર્ટ રહેવા સૂચના આપી
  • શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ ચેકિંગ કરાશે

દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસો વધતા ગઈકાલે જ ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને એલર્ટ રહેવા સૂચના આપી હતી. એવામાં હવે દૈનિક કેસોમાં ઉછાળો આવતા કેસો વધ્યા તે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરી શકાય છે.

જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ અને ચેકિંગ કરાશે
કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

શનિવારે અમદાવાદમાં 10 નવા કેસ
નોંધનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલાથી જ AMTS, BRTS, બગીચા અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગ-જગ્યામાં પ્રવેશ પહેલા કોવિડ વેક્સિનેશનના સર્ટિફિકેટ તપાસવાની શરૂઆત કરવામાં આવી છે. શનિવારે શહેરમાં કોરોનાના 10 કેસ સામે આવ્યા. જેમાં દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા. મ્યુનિ.એ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવ્યો હતો. આમ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં 10 કેસ પકડાયા હતા.

નવા કેસોમાં મોટાભાગના લોકો બહારના રાજ્યમાં ફરીને આવેલા
દિવાળીની રજાઓ માણી બહારથી આવતા તમામ નાગરિકોના કોરોના ટેસ્ટિંગ માટે કેટલાક વિસ્તારોમાં ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે. એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં સંક્રમિત થયેલા લોકોમાંથી 70 ટકા રાજ્ય બહારથી ફરી પરત આવ્યા હતા. શનિવારે શાહઆલમ પાસેના ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લાગી હતી.