સમીર રાજપૂત
ક્રિકેટ કે ફૂટબોલ રમતા રમતા હાર્ટ એટેકથી 20થી 35 વર્ષ સુધીના યુવકોનું મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે. આવા કિસ્સા ચેતવણી સમાન છે. રાજ્યના ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે, કોરોના પછી 30થી 35 વર્ષ સુધીના લોકોમાં એકથી વધુ નળીમાં બ્લોકેજ અને ડિફ્યુઝ કોરોનરી આર્ટરી ડિસીઝ જેવી હૃદયની તકલીફમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
યુએન મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર અને વડા ડો. જયેશ પ્રજાપતિ જણાવે છે કે, કોવિડ થયા પહેલા જે લોકો નોર્મલ હતા અને બે-ત્રણ વર્ષ પહેલાં તેમને હૃદય રોગની કોઈ ફરિયાદ ન હતી તેવા 30થી 50 વર્ષના લોકોમાં કોવિડ બાદ કોરોનરી આર્ટરી ડિસીઝના પ્રમાણમાં 20 ટકા વધારો થયો છે.
હાર્ટ એટેકથી 20થી 35 વર્ષ સુધીના યુવકોનું મૃત્યુ થવાના કિસ્સા વધ્યા
મેરેન્ગો સીમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો. ધીરેન શાહ જણાવે છે કે, દેખાદેખીમાં વધુ કસરત કરવાથી કે અચાનક વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ કરવાથી શરીરમાં સ્ટ્રેસ ઊભું કરતાં એડ્રિનાલીન હોર્મોન્સમાં અચાનક વધારો થાય છે. આ સમયે હૃદયની નળીમાં જામેલા કોલેસ્ટ્રોલના ગઠ્ઠા રપ્ચર થતાં હૃદયની નળી અચાનક બંધ થાય છે અને મેજર હાર્ટ એટેકથી મોત થાય છે.
હૃદયની તકલીફમાં 20 ટકાનો ઉછાળો આવ્યો
યુએન મહેતામાં 2020 પછી હૃદય રોગના દર્દી વધ્યા છે. હોસ્પિટલમાં 2020માં હાર્ટના 1.57 લાખ આઉટડોર અને 24,306 ઈન્ડોર પેશન્ટ નોંધાયા હતા. જે 2 વર્ષમાં વધીને 2.77 લાખ આઉટડોર અને 40,662 ઈન્ડોર પેશન્ટે પહોંચી ગયા હતા.
હાર્ટ એટેકથી હસતાં રમતાં 20થી 35 વર્ષ સુધીના યુવાનોમાં મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે
વસંત રાઠોડ ઉંમર વર્ષ : 33 ઘટના: 26 ફેબ્રુઆરી સ્થળ: અમદાવાદ
ભાડજ પાસેની ડેન્ટલ કોલેજના મેદાન પર બોલિંગ કરતી વખતે મેદાન પર જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. યુવક પાટડીના ધામ ગામનો હતો.
પ્રશાંત ભારોલિયા ઉંમર વર્ષ: 27 ઘટના : 18 ફેબ્રુઆરી સ્થળ: સુરત
સુરતનો આ યુવક ક્રિકેટ મેચ રમીને ઘરે આવ્યો એ પછી તેને છાતીમાં બળતરા શરૂ થઈ હતી.હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયો પણ પરંતુ જીવ બચાવી શકાયો નહીં.
વિવેકકુમાર ભાસ્કર ઉંમર વર્ષ: 20 તારીખઃ 29 જાન્યુઆરી સ્થળઃ કચ્છ
મૂળ ઓડિશાનો અને કચ્છના ગાંધીધામ રહેતો યુવક રાજકોટમાં ભણતો હતો. ફૂટબોલ રમતી વખતે બેભાન થઈ ગયો હતો અને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યો.
જીગ્નેશ ચૌહાણ ઉંમર વર્ષ : 31 તારીખ : 19 ફેબ્રુઆરી સ્થળ : રાજકોટ
રાજકોટમાં ક્રિકેટ રમતો મીડિયા કર્મી બેટિંગ બાદ મુંઝારો થતાં કારમાં બેસી મેચ જોતો હતો. એટેક આવતાં કારમાંથી નીચે પટકાયો અને તરત જ મૃત્યુ પામ્યો.
રવિ ગાવડે ઉંમર વર્ષઃ 35 ઘટના ઃ 29 જાન્યુઆરી સ્થળઃ રાજકોટ
ગાંધીગ્રામનો યુવક રાજકોટના રેસક્રોર્સ મેદાન પર ક્રિકેટ મેચ રમતો હતો. અચાનક શ્વાસ ચડતાં રનર રાખ્યો હતો. પરંતુ છાતીમાં દુ:ખાવો ઉપડતાં મૃત્યુ થયું હતું.
છેલ્લા બે મહિનામાં જ માત્ર યુએન મહેતામાં હૃદયરોગને સંબંધત 26 હજાર કેસ નોંધાયા
વર્ષ | આઉટડોર | ઈન્ડોર |
2020 | 1,57,747 | 24,306 |
2021 | 2,24,688 | 35,235 |
2022 | 2,77,572 | 40,662 |
2023 | 26,002 | 3,909 |
(દર્દીના આંકડા યુએન મહેતા હોસ્પિટલના છે) |
અચાનક શ્રમથી વધતો સ્ટ્રેસ એટેક લાવે છે
ખાવાની પીવાની ખોટી આદત, સ્ટ્રેસ જેવાં કારણોથી 30થી 35 વર્ષના યુવાનોમાં અનિયમિત બ્લડ સરક્યુલેશનથી હાર્ટ ડિસીઝ વધ્યા છે. બ્લડ સરક્યુલેશનમાં અવરોધ, અમુક કેસમાં હૃદયનો સ્નાયુ જાડો થયો હોય અને નિદાન ન થતાં એટેક આવી શકે છે. જેને તબીબી ભાષામાં હાયપર ટ્રોપિક કાર્ડિયો માયોપથી કહે છે. - ડો. તેજસ પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ
લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવવો જરૂરી
મેરેથોન, ક્રિકેટ, ટેનિસ કે પછી જિમ પણ કરતાં હોય તેમણે તેમનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જોઈએ. તેમજ તેમાં રિસ્ક ફેક્ટર જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે આવે તો તેમણે ડોક્ટરની સલાહ મુજબ લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. સ્ટ્રેસનું લેવલ ઘટે તે માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. - જયેશ પ્રજાપતિ, યુએન મહેતાના કાર્ડિયો વિભાગના વડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.