ગુજરાતમાં કોરોનાની મહામારી આવ્યાના દોઢ વર્ષ બાદ ભરતીની સીઝન શરૂ થઈ હોય એમ ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. સરકારી નોકરીમાં TRB, હોમગાર્ડ જવાનથી માંડીને GPSCમાં ક્લાસ-1 અધિકારી સુધી અંદાજે કુલ 23,942 જેટલી જગ્યાઓ આગામી મહિનાઓમાં ભરવામાં આવશે. સરકારી નોકરીનું સપનું જોનારા ઉમેદવારો પાસે આ ઉત્તમ તક કહી શકાય. હોમગાર્ડ જવાનની 6700, TRBની 700, GRDની 600 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે.
પાલનપુર GRDમાં 600 જગ્યા માટે ભરતી
પાલનપુરમાં GRD(ગ્રામ રક્ષક દળ)ની 600 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં શનિવારે 6 હજારથી વધુ ઉમેદવારો ઊમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં બેરોજગારોનો મહાસાગર જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં ધક્કામુક્કી થઈ હતી. ભરતીપ્રક્રિયાની અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
700 TRB જવાનની ભરતી
અમદાવાદમાં TRBમાં કુલ 2500ની સ્ટ્રેન્થ છે, જેમાંથી થોડા દિવસ પહેલાં ભ્રષ્ટાચાર કરનારા 700 જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ 700ની ભરતી કરવામાં આવશે. એ માટે નિશ્ચિત માપદંડ હોય છે. એની સાથે હવે તેમને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને બોડી વોર્ન કેમેરા લગાવવા આવશે.
6700 જેટલા હોમગાર્ડની ભરતીપ્રક્રિયા શરૂ
હાલ 6700 જેટલા હોમગાર્ડની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. આ માટે ગત બુધવારે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે.
LRDમાં 10 હજારથી વધુ જગ્યા પર ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
બિનસચિવાલય ક્લાર્કમાં 3900 જગ્યાની ભરતી
પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
GPSCમાં ક્લાસ-1 અને 2ની 203 જગ્યા માટે ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે 183 જગ્યા, મદદનીશ વ્યવસ્થાપક વર્ગ-2 માટે 6 જગ્યા, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1 માટે 13 જગ્યા, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની 1 જગ્યા, આમ કુલ મળીને 203 જેટલા જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. પહેલા 19 ડિસેમ્બરે તેની પરીક્ષા શરૂ થવા જઈ રહી હતી, પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થવાના કારણે આ તારીખ પાછળ ખસેડવામાં આવી અને પ્રાથમિક કસોટી હવે 26 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી વચ્ચે કુલ ચાર તબક્કામાં યોજાવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.