ગ્રાન્ટ ડાયવર્ટ:વિવાદો બાદ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ તાલુકાઓમાં ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે સભ્યોના દબાણથી ગ્રાન્ટ ડાઈવર્ટ કરી હોવાનો આક્ષેપ
  • BJP સભ્યોને વિકાસ નહીં પણ પોતાની ટકાવારીમાં રસ: કોંગ્રેસ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવાદના પગલે 15મા નાણાપંચની વાર્ષિક ગ્રાન્ટ નવ તાલુકાઓમાં ડાયવર્ટ કરી દેવાઇ છે. તાલુકાઓમાં કામો નક્કી કરીને ટીડીઓએ સબંધિત જિલ્લા પંચાયયતના સદસ્યોની મંજૂરી લેવાની રહેશે. કોરોના દરમિયાન પણ વિવાદ બાદ સત્તાપક્ષ ભાજપના સદસ્યોએ આજ રીતે 14મા નાણાં પંચની ગ્રાન્ટ ડાયવર્ટ કરી દેવાઇ હતી.

હવે ફરી વાર ગ્રાન્ટ ડાયવર્ટ કરવામાં આવતા પૂર્વ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, જિલ્લા પંચાયતના અધિકારીઓ નીતિ નિયમોથી જ ગ્રાન્ટ મંજૂર કરે છે. ડીડીઓની સીધી દેખરેખ રહે છે, જ્યારે તાલુકાઓમાં ટીડીઓને સૂચના પ્રમાણે કામ કરવું પડે છે.

કોરોના દરમિયાન સૌ પ્રથમ 14મા નાણાં પંચની ગ્રાન્ટની રકમ વિવિધ તાલુકાઓમા ડાયવર્ટ કરાઇ હતી, ત્યારે પણ ભાજપના જ પ્રમુખે સદસ્યોના દબાણથી ગ્રાન્ટ ડાયવર્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લા પંચાયતના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ગ્રાન્ટ ડાયવર્ટ કરવાથી સદસ્યોને સીધો ફાયદો છે. ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઇને સદસ્યો પોતાની રીતે અને પોતાની મનમાની મુજબ કામ કરવાશે.

જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સીધો આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના સભ્યોને વિકાસની ચિંતા નથી, પરંતુ પોતાની ટકાવારીમાં રસ છે. એટલે જ જાણી જોઇને તાલુકા કક્ષાએ ગ્રાન્ટ ડાયવર્ટ કરવામાં આવી છે. ગ્રાન્ટ ડાયવર્ટ કરવા માટે ભાજપના સદસ્યોએ ધમપછાડા કર્યા હતાં. ડીડીઓએ શરણાગતિ નહીં સ્વીકારતા સામાન્ય સભામાં ગ્રાન્ટ ડાયવર્ટ કરવાનો ભાજપના સદસ્યોએ બહુમતીથી નિર્ણય કર્યો છે. તાલુકા કક્ષાએ ટ્રાન્સફર થયેલી 14મા નાણાં પંચની ગ્રાન્ટના કામોની તપાસ કરવામાં આવશે તો ઘણા કામો માત્ર કાગળ પર થયા હોવાનું બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...