હવે પોલ ખુલશે:અમદાવાદમાં નવા રોડ બન્યા પછી કોન્ટ્રાક્ટરના નામની તકતી મૂકવામાં આવશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદ પછી આખા શહેરમાં મોટાભાગના રોડ ડિસ્કો થઈ ગયા છે. મેટ્રોની કામગીરીના લીધે જીવરાજ પાર્કનો રોડ એ હદે તૂટી ગયો છે કે આ રોડ કોઈ છેવાડાના ગામડાનો હોય તેવું લાગે છે. - Divya Bhaskar
ભારે વરસાદ પછી આખા શહેરમાં મોટાભાગના રોડ ડિસ્કો થઈ ગયા છે. મેટ્રોની કામગીરીના લીધે જીવરાજ પાર્કનો રોડ એ હદે તૂટી ગયો છે કે આ રોડ કોઈ છેવાડાના ગામડાનો હોય તેવું લાગે છે.
  • એક વર્ષ પહેલાં બનેલા રોડને પણ આ નિયમ લાગુ પડશે
  • સામાન્ય વરસાદમાં મોટાભાગના રોડ તૂટી જતાં લોકોએ મ્યુનિ. પર માછલાં ધોતાં સ્ટેન્ડિંગે આખરે અધિકારીઓને આપેલી સૂચના
  • જીવરાજ પાર્કમાં મેટ્રો પાસેના રોડ પર નર્યો કાદવ-ખાડા

એક વર્ષ પહેલા બનેલા રોડ તથા નવા બનનાર રસ્તાઓ પર હવેથી પથ્થરની તકતી લગાવીને તેમાં આ રસ્તો કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો સહિતની વિગતો જણાવવામાં આવશે. તેને કારણે આ રોડ તૂટવા માટે કોણ જવાબદાર છે તે લોકો સ્પષ્ટ રીતે જાણી શકશે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના રોડ તૂટવા મામલે થયેલી ચર્ચામાં આખરે અધિકારીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો છેકે, શહેરમાં નવા બનતા રસ્તાઓ પર ડિફેક્ટ લાયબિલિટી નક્કી કરવામાં આવે. જો નિયત સમય મર્યાદામાં રસ્તા પર પાણી ભરાવાને કારણે કે અન્ય કારણોસર રોડ તૂટી જાય તો તે રિપેર કરવાની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે. તે માટે શહેરમાં નવા બનેલા તમામ રોડ પર તે અંગેની જાણ કરતી એક તકતી લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ તકતીઓમાં કોન્ટ્રાક્ટરનું નામ, રસ્તો ક્યારે બન્યો, રોડની લંબાઇ, પહોળાઇ, જવાબદારી તથા અન્ય વિગતોનો સમાવેશ થશે. અગાઉ આવા પ્રયોગોમાં લોખંડની તકતી મુકાતી હતી ત્યારે તેની ચોરી થઇ જતી હોવાનો બચાવ કરાયો હતો. તેને કારણે હવે પત્થરની તકતી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી તે વધુ ટકાઉ રહે.

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સફાઇ બાબતે પણ વધુ ધ્યાન આપવા માટે કહેવાયું છે. જેમાં પાણી ભરાયા હોય અને નિકાલ થયો હોય તેવા સ્થળે ઝડપથી પાવડરનો છંટકાવ કરવા માટે તેમજ ગંદકી સાફ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હજુ 3 લાખ પ્રોપર્ટી માલિકોને ડસ્ટબિન મળ્યા નથી
સૂકો-ભીનો કચરો અલગ આવે તે માટે 16 લાખ પ્રોપર્ટી માલિકોને બે ડસ્ટબિન આપવાની કામગીરી મ્યુનિ.એ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 11 લાખ પ્રોપર્ટી માલિકોને ડસ્ટબિન આપી દીધાનો મ્યુનિ.એ દાવો કરે છે. બાકી રહી ગયેલા પ્રોપર્ટી માલિકોને 3 માસમાં ડસ્ટબિન પહોંચી જાય તેવી સૂચના સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે.

પાર્ટી પ્લોટ કે હોલનું રિફંડ તાત્કાલિક મળવું જોઇએ
લોકો જ્યારે મ્યુનિ.ના પાર્ટીપ્લોટ કે હોલ ભાડે રાખે છે તે બાદ તેઓને હોલ બુક ન થાય તો પછી તેમને તત્કાલ રિફંડ મળવું જોઇએ. અત્યારે આ રિફંડ મળતાં એક મહિના જેટલો સમય જાય છે ત્યારે તે સમય બિનજરૂરી વધારે હોવાનું જણાય છે. આ રિફંડ માત્ર એક સપ્તાહમાં પણ મળી શકે તેમ છે. તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...