દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન:અમરેલીમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી, સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીની જનરલ હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ એક કેમ્પમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં કેટલાક દર્દીઓની મુશ્કેલી વધી છે. દર્દીઓને મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ દ્રષ્ટિ જ ગુમ થઈ ગઈ છે. ઓપરેશન બાદ દેખાતું બંધ થતાં દર્દીઓને અમદાવાદ સિવિલની આંખ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

ઓપરેશન બાદ તમામ દર્દીઓને આંખમાં દુ:ખાવો
16મી નવેમ્બરે અમરેલીની જનરલ હોસ્પિટલ ખાતેના કેમ્પમાં અનેક લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.ઓપરેશન બાદ દ્રષ્ટિ સારી થઈ જશે તેવી દર્દીઓને આશા હતી પરંતુ ઓપરેશન બાદ તમામ દર્દીઓને આંખમાં દુ:ખાવો પણ થયો આંખમાં દુખાવાની સતત ફરિયાદ દર્દીઓ કરતા રહ્યા પરંતુ તબીબો દ્વારા તેમને દર્દમાં રાહત માટે ગોળીઓ આપવામાં આવી તેનાથી કોઈ ફરક પડ્યો નહીં તેવું દર્દીઓ જણાવતા અંતે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં તમામ દર્દીઓ જેમની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું તેમને ખસેડવામાં આવ્યા.

દર્દીઓ વૃદ્ધાવસ્થામાં આખે ન દેખાતા લાચાર બન્યા
દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા અને આંખમાં ભારે ઇન્ફેક્શન સાથે પાંચ દર્દીઓને અમદાવાદ આંખની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે તમામ દર્દીઓનું કહેવું છે કે, તેઓ પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠા છે તેમને હાલ કશું જ દેખાતું નથી મોટી ઉંમરના તમામ દર્દીઓ વૃદ્ધાવસ્થામાં આખે ન દેખાતા લાચાર બન્યા છે. તમામનું કહેવું છે કે જનરલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તમામની દ્રષ્ટિ દર્દીઓએ ગુમાવવી પડી છે.

અમદાવાદ સિવિલમાં સારવાર
રોશનબા બેલીમ જેઓ અમરેલી લીલીયાના રહેવાસી છે અને80 વર્ષની ઉંમરે તેમની આંખે ઝામર આવતા ઓછું દેખાતા તેમણે મોતિયાનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું પરંતુ તેમણે ડાબી આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. અમરેલીના શારદાબેન જેમની ઉંમર 60 વર્ષ છે તેમને પણ અમદાવાદ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓ પણ પોતાની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી બેઠા છે.

વૃદ્ધાવસ્થામાં આંખ ગુમાવવાનો વારો આવ્યો
અમરેલી ખાંભાના આશાબેન જાડેજાની 60 વર્ષની ઉંમર છે તેઓ પણ મોતિયાના ઓપરેશન દરમિયાન કેમ્પમાં જોડાયા હતા અને દ્રષ્ટિ ગુમાવી બેઠા છે. હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અમરેલી ચલાલાના લાભુબેન ધંધુકિયા તેમને પણ વૃદ્ધાવસ્થામાં આંખ ગુમાવવાનો વારો આવ્યો છે તે સિવાય અન્ય એક પુરુષ સનાભાઇ જેમને અમદાવાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એમ કુલ પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...