ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદ નહીં થતાં ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને આધારે પાણી કાઢીને ખેતરમાં ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. ત્યારે હવે અંશતઃ રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જોકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.
રાજ્યમાં અત્યારસુધીમાં 46 ટકા વરસાદની ઘટ
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરીવાર શરૂઆત થશે. ત્યાર બાદ તબક્કાવાર મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીવાર વેટ સ્પેલ પણ આવશે. આગામી સમયમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 46 ટકા વરસાદની ઘટ છે.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માત્ર 6 મિમી વરસાદ
ગત વર્ષે ઓગસ્ટ 2020ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વખતે માત્ર 6 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 મિમી તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 મિમી વરસાદ નોંધાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોએ વાવેલો ઊભો પાક સડી જવા અથવા તો સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે.
49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી
નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના ડેટા મુજબ, 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં 5 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. આ ડેમમાં અમરેલીનો ધારવડી ડેમ અને સૂરજવાડી, જામનગરનો ફૂલઝર-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, તાપીના દોસવાડા ડેમનો સમાવેશ થાય છે, જ્યારે 49 ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 46.63 ટકા પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રના 4 અને દક્ષિણ ગુજરાતનો 1 ડેમ છલકાયા
રાજ્યના ઝોન મુજબ ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે. આ તમામ ડેમમાં થઈને સરેરાશ 24.42 ટકા પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે, એમાં 43.97 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 57.98 ટકા પાણી છે, જેમાંથી 1 ડેમ સંપૂર્ણ 100 ટકા પાણીથી ભરાઈ ગયો છે. કચ્છમાં 20 ડેમમાં 22.88 ટકા પાણી ભરેલું છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.69 ટકા પાણી છે, જેમાં 4 ડેમ 100 ટકાની કેપેસિટી સુધી ભરેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.