ભાસ્કર વિશ્લેષણ:અલ્પેશ પછી હાર્દિકના કેસરિયા બાદ શું હવે કોઈ આંદોલન ધારી અસર કરી શકશે?

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર - Divya Bhaskar
ડાબી બાજુથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલની આગેવાનીમાં ઊભું થયું અને તેની સામે અનામત વર્ગના હિતને જાળવવા ઠાકોર સમાજને સાથે લઇને અલ્પેશ ઠાકોરે આંદોલન કર્યું હતું. આ બન્ને નેતાઓએ સમાજને આગળ કર્યો, સમાજના ખભે બેસીને સફળ આંદોલન કર્યા અને સરકારને પરસેવો છોડાવી દીધો. આ બન્ને નેતાઓ સામાજિક નેતા બનીને કિંગ મેકરની ભૂમિકામાં રહી શકયા હોત અને ગુજરાતના બાલ ઠાકરે થવાની તક હતી,પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તેમ બન્નેને રાજકારણે આકર્ષ્યા.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાર્દિકને આગળ કરીને પાટીદાર એક બને અને ભાજપની વિરુદ્ધમાં જાય તેવા પ્રયાસ કરતી હતી
એક પછી એક બન્ને નેતા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસને એમ હતું કે વહેતા પાણીમાં હાથ ધોઇ નાખીએ, બન્ને કોંગ્રેસમાં આવ્યા અને વર્ષ 2017માં ફાયદો કરાવ્યો પણ સત્તા ન અપાવી શકયા. એક પછી એક ભાજપમાં ગયા. અલ્પેશ ભાજપમાં ગયો,પેટાચૂંટણી લડયો, હાર્યો કે હરાવ્યો તે રામ જાણે પણ ઘરે બેસવું પડયું. હવે હાર્દિકનો ભાજપ પ્રવેશ થયો.

એવું કહેવાય છે કે અનામત આંદોલન દરમિયાન જે ફંડ એકઠું થયું તે ઠેકાણે પડી જાય અને સબ સલામત થઇ જાય. બીજી બાજુ ભાજપને ફાયદો એ છે કે, પાટીદાર આંદોલન વેરવિખેર થઈ ગયું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાર્દિકને આગળ કરીને પાટીદાર એક બને અને ભાજપની વિરુદ્ધમાં જાય તેવા પ્રયાસ કરતી હતી તે ફુગ્ગો ફૂટી ગયો.

ભાજપને એક મોટો ફાયદો એ પણ થયો કે,એક સમયે આંદોલનના નામે મુખ્યમંત્રીને જીએમડીસી ગ્રાઉન્ડ બોલાવવાની હાકલ કરે અને મુખ્યમંત્રી કલેકટરને મારતે ઘોડે જીએમડીસી ગ્રાઉન્ડ મોકલે તેવો નેતા સામાજિક આંદોલનના નામે શૂન્ય થઇ ગયો. હાર્દિક તો ભાજપમાં ભળી ગયો પણ આંદોલનના નામે હવે પછી કોઇ મોટું આંદોલન ન થઇ શકે તેવી અવિશ્વસનીયતા ઊભી કરતો ગયો. જે પાટીદાર સમાજે તેમના નવલોહિયા 14 યુવાનોનું બલિદાન આપી દીધું તે પાટીદાર સમાજ અત્યારે ન્યાય મળે તે પહેલા પીઠ પાછળ ખંજર ભોંકાયું હોય તેવી સ્થિતિમાં મુકાઇ ગયો છે.

સમાજે સમગ્ર બિનઅનામત સમાજને લાભ આપ્યો પણ જે 14 પરિવારે બલિદાન આપ્યું તેમના માટે અત્યારે સ્થિતિ અસહનીય છે. ભાજપને તો ફાયદો થઇ ગયો અને ભાજપ હવે હાર્દિકની શું હાલત કરશે તે આવનારો સમય કહેશે,પણ ઘણા દાખલા એવા છે કે,એક સમયે ભાજપ કે ભાજપના નેતાઓ સામે એલફેલ બોલનાર નેતાઓની ભાજપે શું હાલત કરી છે ? શંકરસિંહ વાઘેલા, જયનારાયણ વ્યાસ સહિતના કંઇક નેતાઓ એવા છે કે જેમની સ્થિતિ સૌ જાણે છે.આ નેતાઓને ભાજપે એવા જનોઇ વઢ ઘા માર્યા છે કે જેની કળ જ વળે નહીં.

અ્નામત આંદોલનમાં પુરું થઇ ગયું તેવી જાહેરાત હાર્દિકે જ કરી હતી અને ભાજપમાં જોડાતી વખતે પણ તે બોલ્યો છે કે,અનામત આંદોલન પૂર્ણ થયું છે. પણ અહીં પ્રશ્નએ છે કે,જે રીતે સમાજના ઉપયોગ થયો અને વ્યકિતગત સ્વાર્થ સધાયો તે જોતા આગામી દિવસોમાં ગુજરાતમાં નવું કોઇ આંદોલન ઉભું થશે ? છેલ્લે ગુજરાતે મોટું કહીં શકાય તેવું તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વખતે 1985માં અનામત આંદોલન જોયું હતું,તે પછી બિન અ્નામત વર્ગ માટેનું પાટીદાર આંદોલન થયું હતું.

પાટીદાર સમાજ હવે પછી બીજા કોઇ હાર્દિક પર આ‌વો ભરોસો મુકશે કે કેમ ? ઠાકોર સમાજ બીજા કોઇ અલ્પેશ ઠાકોર પર આવો કોઇ ભરોસો મુકશે કે કેમ તે પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ અત્યારે તો એક જ મળે કે, સમાજ કોઇ આંદોલન માટે તેમના જ સંતાન પર ભરોસો મુકે, રખેને ‘નેતા’ બની ગયો તો !?