પંજાબમાં શાનદાર વિજય બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. 2022ની ચૂંટણીમાં આપ ભાજપને ટક્કર આપવા માટે જોર લગાવી શકે છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જોતા લાગે છેકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પહેલા હાર્દિક પટેલ આપમાં જોડાઈ શકે છે. હાલમાં રાજકીય વતૃળોમાં હાર્દિકને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયાં છે.
નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં
ગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોત પોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી ગયા છે. આપનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે.
નરેશ પટેલ 20 અને 30 માર્ચની વચ્ચે નિર્ણય લેશે
બીજીતરફ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં આવવાના સંકેત આપી રહ્યા છે. જે અંગે આજે તેમણે જણાવ્યું હતું કે, 20 અને 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરીશ. હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો. તેમા પણ તાજેતરમાં તેઓએ દિલ્હીની મુલાકાત લીધી હોવાથી તેમની રાજકીય ઇનિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી તેમને રાજ્યસભામાં લઈ જવાની ઓફર કરી રાજકારણમાં એન્ટ્રી કરાવી શકે છે.
આપના હતાશ નેતાઓમાં જોમ ભરશે, સંગઠનમાં ફેરફારો કરશે
આમ આદમી પાર્ટી પંજાબ પેટર્નથી ગુજરાતમાં સંગઠનથી લઈને ચૂંટણીની વ્યૂહરચના ગોઠવવાની તૈયારીઓ કરવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આપની એન્ટ્રી તો થઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને બેઠકો પણ મળી હતી. પરંતુ થોડા સમયથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાતા આપના ગુજરાતના નેતાઓમાં હતાશા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષને પછાડી ભારે બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.
આપની હાલની સ્થિતિ
ફેબ્રુઆરી, 2021માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો 27 બેઠક સાથે મુખ્ય વિપક્ષ બની ગઈ હતી, પરંતુ એક વર્ષમાં જ એટલે કે ફેબ્રુઆરી 2022માં સુરત શહેરમાં ઝીરોમાંથી હીરો બનેલી AAPના કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને પ્રજાનો દ્રોહ કર્યો છે. આમ AAP સુરતમાંથી સાફ થવા લાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.