નારણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પાસેના જનક એપાર્ટમેન્ટની રિડેવલપમેન્ટની સાઈટ પર ખોદકામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં 2 મજૂરનાં મોત નિપજ્યાં હતાં. વર્ષ જૂની આ ઘટનામાં નારણપુરા પોલીસે કોન્ટ્રાક્ટર અને સાઇટ સુપરવાઇઝર વિરુદ્ધ સદોષ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બિલ્ડરે સાઇટ પર યાંત્રિક પદ્ધતિથી ખોદકામ કરવાના બદલે નિષ્કાળજી રાખી હોવાનું માનવ અધિકાર આયોગ અને પોલીસ અધિકારીઓની તપાસમાં પુરવાર થયું હતું.
જનક એપાર્ટમેન્ટની સાઇટ પર પાયા માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જ્યાં 28 જાન્યુઆરી 2022ના રોજ સવારે 7 મજૂરો માટીના લેવલનું કામ કરતા હતા. જ્યાં જવસિંગ પ્રેમાભાઈ ડામોર અને પટ્ટુભાઈ ખાતિયાભાઈ કમળી ખાડામાં ઊતર્યા હતા. જ્યારે રાહુલ જવસિંગ ડામોર અને અજય દિનેશભાઈ ડામોર ખાડા પાસે ઊભા હતા. દરમિયાનમાં 11 વાગ્યે માટીની ભેખડ ધસી પડતા રાહુલ અને અજય દોડીને બાજુમાં ખસી ગયા હતા ત્યારે જવસિંગ અને પટ્ટુભાઈ માટી નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને શોધખોળ કરીને જવસિંહ અને પટ્ટુભાઈને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા.
આ અંગે નારણપુરા પોલીસે અકસ્માતે મોત નોંધ્યું હતું. જોકે પોલીસની તપાસમાં કોન્ટ્રાક્ટર ભરતભાઈ સુખલાલ મિસ્ત્રી (વિકાસ ટેનામેન્ટ, જીવરાજ પાર્ક) અને સુપરવાઇઝર રમણભાઈ ઠાકરશીભાઈ સુથાર (ક્રિષ્ના પાર્ક સોસાયટી, વટવા)એ કોઈ પણ પ્રકારના સુરક્ષા-સલામતીનાં સાધનો વગર મજૂરોને ખાડામાં ઉતાર્યા હોવાનું બહાર આવ્યું હતું. બંનેના મૃત્યુની ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી માલૂમ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.