તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચલો સ્કૂલ ચલે હમ:દોઢ વર્ષ બાદ ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, આજે આઝાદી મળી હોય એવું લાગ્યું

અમદાવાદ21 દિવસ પહેલા
વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણમાં મજા આવી.
  • વાલીઓને પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવાયું હતું
  • આજે 50 ટકા કેપેસિટીની જગ્યાએ 40 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા

કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી, પરંતુ થોડા સમયમાં જ ઘાતક નીવડેલી બીજી લહેર શરૂ થતાં સ્કૂલો ફરીવાર બંધ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલા સરકારે ધોરણ 12 અને 9થી 11ની સ્કૂલો શરૂ કરી હતી. હવે આજથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ઓફલાઈન વર્ગ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી
રાજ્યભરમાં આજથી સ્કૂલોમાં 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે. સ્કૂલે આવવા વાલીની સંમતિપત્ર પણ ફરજિયાત રાખવામાં આવ્યો છે. જે બાળકો ઓફલાઈન ભણવા ના ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવશે. રાણિપની નિશાન સ્કૂલ દોઢ વર્ષ બાદ શરૂ થતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે. સ્કૂલમાં પણ શિક્ષક અને આચાર્યએ વિદ્યાર્થીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે. સ્કૂલના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

50 ટકા કેપેસિટી સામે 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
50 ટકા કેપેસિટી સામે 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા
આ અંગે સ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના નિયમોના પાલન સાથે આજથી સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. વર્ગખંડ સુધી વિદ્યાર્થીઓ ભેગા ના થાય એ માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું, જેથી એકબીજાના પાણીનો ઉપયોગ તેઓ ના કરે. રિસેસ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય એની તકેદારી રાખવામાં આવશે. આજે 50 ટકા સંખ્યા બોલાવી, એમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે.

દર ક્લાસમાં 15 વિદ્યાર્થીઓને બોલાવ્યા
ગીતા સ્કૂલના આચાર્ય કિંજલ જૈને જણાવ્યું હતું કે દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ જેટલો જ ઉત્સાહ અમને પણ છે. આજથી વિદ્યાર્થીઓને ઑફલાઈન ભણાવવાનું પણ શરૂ કર્યું છે. કદાચ કોઈ બાળકને અત્યારે વાયરલ ઇન્ફેક્શન હોય જેમાં ખાંસી કે શરદી હોય તો બાળકને સ્કૂલમાં પ્રવેશ નહીં આપીએ. પ્રથમ દિવસ હોવા છતાં અમે દર ક્લાસમાં 15 વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. જેમાંથી 13-14 વિદ્યાર્થીઓ આવ્યા છે.

રાજકોટમાં આજથી 6થી8ના 1.43 લાખ વિદ્યાર્થી ઓફલાઈન શિક્ષણ મેળવશે
રાજકોટમાં આજથી 6થી8ના 1.43 લાખ વિદ્યાર્થી ઓફલાઈન શિક્ષણ મેળવશે

સ્કૂલમાં ખૂબ સારો માહોલ જોવા મળ્યો
ક્રિના પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં ખૂબ સારો માહોલ જોવા મળ્યો છે. ઓનલાઇન કરતાં ઓફલાઈન ભણવું સારું લાગે છે. મિત્રો પણ રૂબરૂ મળતાં સાથે ભણવાની મજા આવે છે. સ્કૂલે અગાઉથી જ નિયમો મોકલ્યા, જ્યાં એ પ્રમાણે એનું પાલન કરી રહ્યા છે. જૈમિન પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજે દોઢ વર્ષ પછી સ્કૂલે આવ્યા ત્યારે અમને લાગ્યું આજે અમને આઝાદી મળી. મિત્રો સાથે લાંબા સમય બાદ મળવાનું થતાં મજા આવી છે.

સુરતમાં 100 ટકા વાલીઓએ સંમતિ પત્ર આપ્યું
સુરતમાં 100 ટકા વાલીઓએ સંમતિ પત્ર આપ્યું

રાજકોટમાં 6થી8ના 1.43 લાખ વિદ્યાર્થી ઓફલાઈન શિક્ષણ મેળવશે
રાજકોટ શહેરની સરકારી અને ખાનગી સ્કૂલના 68 હજાર વિદ્યાર્થી અને ગામડાં-તાલુકાની સરકારી અને ખાનગી સ્કૂલમાં 75 હજાર વિદ્યાર્થી સહિત કુલ 1.43 લાખ વિદ્યાર્થી આજથી ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. જોકે સરકારના નિયમ મુજબ દરેક વિદ્યાર્થીએ ઓફલાઈન વર્ગમાં આવતા પહેલા વાલીનું સંમતિપત્ર લાવવું ફરજિયાત કરાયું છે ત્યારે અત્યાર સુધીમાં અંદાજિત 65 ટકા વાલીઓએ ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી છે. રાજકોટ સ્વનિર્ભર શાલ સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અજય પટેલે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,આજથી અપર પ્રાઈમરી 6 થી 8 ના વર્ગો શરૂ થયા છે. તમામ તકેદારી શાળા તરફથી રાખવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહયા છે. બીજી લહેર બાદ તમામ મોટા ભાગના શિક્ષકો અને વાલીઓ વેક્સિનેટેડ થઈ ગયા છે.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચતા મિત્રોને મળવા માટે ઉત્સુક હતા
પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચતા મિત્રોને મળવા માટે ઉત્સુક હતા

સુરતની શાળાઓમાં 90 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં
સુરતમાં બાળકોને સ્કૂલે મોકલવા માટે સો ટકા વાલીઓએ સંમતિપત્ર શાળામાં આપ્યા હતા. એક બેન્ચ પર એક વિદ્યાર્થીઓ અને બેસાડીને શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. શહેરની મોટાભાગની સ્કૂલોમાં 90 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એક વર્ગમાં 25 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને શાળા તરફથી સ્કૂલમાં આવવા માટે મેસેજ મોકલ્યા હતા તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં દેખાયા હતા. આજે પહેલો દિવસ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થી શ્યામ સવાણીએ જણાવ્યું કે ઘણા દિવસોથી અમે ઈચ્છી રહ્યા હતા કે શાળા ઝડપથી શરૂ થઈ જાય કારણ કે ઘરે બેસીને અને સ્કૂલમાં ના આવીને અભ્યાસ કરવો એ ખુબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને સાથે સાથે શાળાના અમારા મિત્રોને મળવા માટે ઉત્સુક હતા. ટિફિન શેરિંગ કરવાનો અમને ખૂબ જ યાદ આવતું હતું અને પરીક્ષાની તૈયારી વખતે એકબીજાના ઘરે જવાનું પણ અમે ખૂબ મિસ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...