આજથી અમદાવાદમાં છૂટછાટ:82 દિવસ પછી AMTS-BRTS, 14 મહિના પછી કોર્ટો, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના કેસમાં સતત ઘટાડો થતાં લોકોને રાહત, ઓફિસોમાં પણ 100 ટકા સ્ટાફ બોલાવવાની મંજૂરી
  • ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આવકના દાખલા, જાતિનાં પ્રમાણપત્રો મેળવવા માટેનો માર્ગ મોકળો થશે

માર્ચના અંતથી શરૂ થયેલો કોરોનાનાે કહેર આખરે જૂનમાં શાંત થતાં અને રોજિંદા કેસોમાં ઘટાડો થતાં હવે સામાન્ય જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. લગભગ 82 દિવસના ગાળા પછી એએમટીએસ-બીઆરટીએસની સેવા 50 ટકા ક્ષમતા સાથે સોમવારથી શરૂ થશે. એજ રીતે મહામારીને કારણે છેલ્લા 14 મહિનાથી બંધ રહેલી જિલ્લાની અદાલતો પણ સોમવારથી ચાલુ થઈ જશે. માત્ર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટોની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સથી થશે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને કોલેજોમાં પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જોકે હાલમાં અભ્યાસ ઓનલાઈન જ રહેશે.

કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો થતાે હોવાથી સરકારે ઓફિસોમાં પણ હવે 100 ટકા સ્ટાફને હાજર રાખવાની મંજૂરી આપી છે. કર્ફ્યૂના નિયંત્રણો પણ હળવા બન્યા છે. હાલ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવે છે. દુકાનો અને બજારો પણ સવારે 9થી સાંજે 6 સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન રાજયના સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, કોર્ટમાં કેન્દ્ર અને રાજય સરકારની કોરોનાને લગતી તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં પ્રવેશવા માટે એક જ ગેટ ખુલ્લો રાખવામાં આવશે. કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ રહી હોવાથી વકીલોની સ્થિતિ પણ સુધરશે.

1 મહિનાથી વધુ સમય બાદ જનસેવા અને ઇ-ધારા કેન્દ્રો શરૂ થવાથી લોકોને સરળતા
કોરોના લીધે છેલ્લા એક મહિના કરતા વધુ સમય પછી જિલ્લા કલેકટર કચેરી હસ્તકના જનસેવા અને ઇ-ધારા કેન્દ્રો સોમવારથી શરૂ થશે. લોકોને વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવામાં તેમજ જમીન દસ્તાવેજ નોંધણીમાં સરળતા થશે તેમ અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું.સ્કૂલ, કોલેજ અને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આવકના દાખલા, જાતિના પ્રમાણ પત્ર સહિતના વિવિધ પ્રમાણપત્રોની અરજીઓનો ઝડપથી નિકાલ થઇ જાય તે માટે સૂચના અપાઇ છે. આરટીઓમાં 100 ટકા સ્ટાફ હાજર થતાં આરસી બૂકના બેગલોક સહિતની તમામ કામગીરી શરૂ કરી દેવાશે.

સ્માર્ટ ફોન નહીં ધરાવતા મ્યુનિ. સ્કૂલોના 800 વિદ્યાર્થીને શિક્ષકો ઘરે જઈ ભણાવશે
મ્યુની. સંચાલિત સ્કૂલોના 800 વાલીઓ પાસે સ્માર્ટફોન ન હોવાથી બાળકો યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી. એક સરવેની વિગતોને આધારે સોમવારથી શરૂ થતા નવા સત્ર દરમિયાન સ્માર્ટફોન ન હોય તેવા તમામ બાળકોને શિક્ષકો ઘરે જઇને ભણાવશે. જે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ છે અને જે ઓનલાઇન શિક્ષણકાર્ય લેવામાં કચાશ અનુભવે છે તે તમામ બાળકોના ઘરે જઇને શિક્ષકો અભ્યાસ કરાવશે. અભ્યાસ દરમિયાન કોરોનાની તમામ ગાઇડલાઇનનો અમલ કરાશે. જરૂર પડશે તો શિક્ષકો દ્વારા વધારાના પુસ્તકો પણ બાળકોને અભ્યાસની પ્રેક્ટિસ માટે અપાશે.

અન્ય સમાચારો પણ છે...