અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ રથમાં સવાર થઈને લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. 1950માં બનેલા રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે. આ રથ ખૂબ જ જુના થઈ ગયા હોવાથી આવતા વર્ષે એટલે કે 146મી રથયાત્રામાં ભગવાન નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. નવા રથ બનાવવાની કામગીરી માટે સ્પેશિયલ પુરી 10થી વધુ કારીગરો આવશે અને સ્થાનિક કારીગરોની મદદ લઈને રથ બનાવશે.
ભગવાન નવા રથ પર બિરાજમાન થઈને નીકળશે
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રામાં આવતા વર્ષે એટલે કે 146મી રથયાત્રામાં ભગવાન નવા રથ પર બિરાજમાન થઈને નીકળશે. પરંપરાગત રીતે રથ બનાવવામાં આવ્યા છે તે જ ડિઝાઇન તે જ આકારના નવા રથ બનશે. આ રથ પારંપરિક અને ઐતિહાસિક ધરોહર છે તેને જાળવીને નવા રથ બનાવવામાં આવશે.રથમાં ધાર્મિક દેવી-દેવતાઓની મૂર્તિઓ લગાવવામાં આવશે.
ઐતિહાસિક જુના રથને જાળવવા મંદિરમાં મ્યુઝિયમ બનશે
તેમણે જણાવ્યું હતું કે અમે નવા રથની કામગીરી માટે પુરી ખાતે જે રથના એકસપર્ટ છે તેમને મળ્યા હતા. રથ બનાવવા માટે ત્યાંની તમામ ટીમના સભ્યોને અમે મળ્યા હતા. નવા રથ માટે વલસાડ ધરમપુરથી સાગનું લાકડું મંગાવી લેવામાં આવ્યું છે.રથયાત્રા બાદ નવા રથ બનાવવાની કામગીરી કરવામાં આવશે. સ્પેશિયલ પુરીથી 10થી વધુ કારીગરો બોલાવવામાં આવશે. સ્થાનિક કારીગરો અને લોકોની મદદ પણ અમે લઈશું. ઐતિહાસિક જુના રથને જાળવવા મંદિરમાં મ્યુઝિયમ બનશે તેમાં મુકવામા આવશે.
નવા રથ સાગના લાકડામાંથી બનાવવામાં આવશે
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું હતું કે હાલમાં જે રથમાં ભગવાન બેસીને નગરચર્યાએ નીકળે છે એ રથ ખૂબ જ જૂના થઈ ગયા છે. જેથી નવા રથ બનાવવા પડે એમ છે. નવા રથની વિશેષતા એ છે કે રથમાં સિંહાસન ઊંચું રાખવામાં આવશે. સિંહાસનમાં થોડો ફેરફાર કરી અને તેને તમામ લોકો દરેક તરફથી દર્શન કરી શકે તેવી રીતે બનાવવામાં આવશે. કૌશલ ખલાસીના જણાવ્યા મુજબ હાલમાં જે રથ છે તે 1950માં બનાવવામાં આવ્યા હતા અને ભરૂચથી ખાસ કારીગરોને બોલાવી અને રથ બનાવી પૂજા કરી અને મંદિરને સોંપવામાં આવ્યા હતા. આ રથને પહેલા નારિયેળીના છોડામાંથી બનાવેલા હતા. અત્યારે રથ સાગના લાકડામાંથી બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.