ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજી તરફ, રાજ્યનાં 13 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે અને આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં 8 વાગ્યાથી ગરમી શરૂ થઈ, 2 વાગે પીક પર
અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જાણે 11 વાગ્યા હોય એવી ગરમી શરૂ થઈ ગઈ હતી, જ્યારે બપોરે 2 વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને 47 ડીગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. હજી પણ આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો નવાઈ નહીં.
કોની આગાહી સાચી? લોકો મુંઝવણમાં
હવામાન વિભાગના આંકડા પ્રમાણે મહત્તમ 45.8 જ્યારે લઘુત્તમ 29.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે, આવતીકાલથી પવનની દિશા બદલાઇ શકે છે. જેથી તાપમાનનો પારો ઘટી શકે એવી સંભાવના છે. આ બાબતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હવામાન વિભાગ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે અભ્યાસ કરીને હવામાન અંગે આગાહી કરતું હોય છે. જોકે મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી રહી કે ગુગલ પર અમદાવાદ શહેરનું તાપમાન 47 ડિગ્રી સુધી બતાવી રહ્યું છે. જેના કારણે લોકો પણ મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. જોકે જાણકારોના કહેવા પ્રમાણે ગૂગલ ઉપર ઉપલબ્ધ માહિતીનો સોર્સ આ અંગે કોઇ જાણકારી હોતી. તેવામાં ભારત સરકારની અધિકૃત મેટ્રોલોજીકલ વિભાગ તરફથી કરવામાં આવતી તાપમાન અને હવામાનને લગતી આગાહી કે સૂચના વિશ્વનિય માની શકાય.
પવનની પેટર્ન બદલાતાં ફરી ગરમી
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.
અમદાવાદમાં મે મહિનામાં પડેલી ગરમી
વર્ષ | ડીગ્રી |
2011 | 43.4 |
2012 | 43 |
2013 | 44.3 |
2014 | 44.5 |
2015 | 44.6 |
2016 | 48 |
2017 | 43.6 |
2018 | 44.8 |
2019 | 44.3 |
2020 | 44.1 |
2021 | 43 |
2022 | 47 |
ગરમી સામે શું કાળજી રાખવી
* વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું
* લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં
* ઠંડકવાળાં સ્થળો પર સમયાંતરે આરામ કરવો
* નાનાં બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું
* અતિશય ગરમીના લીધે લૂ (હીટ સ્ટ્રોક) લાગવાનાં લક્ષણો
ગરમીની અસર
* ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
* માથામાં દુખાવો, ચક્કર આવવા
* ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી
* સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી
* ઉબકા અને ઊલટી થવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.