ઘરેલું હિંસા:અમદાવાદમાં 40 વર્ષના લગ્ન જીવન બાદ વૃદ્ધાએ દવાના પૈસા માગ્યા તો પતિએ માર માર્યો, લગ્નના ત્રણ મહિનામાં જ ત્રાસ આપતો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેજલપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
વેજલપુર પોલીસ સ્ટેશન
  • વૃદ્ધાએ પતિ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ, મારામારી અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધાવ્યો

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક કપલે લગ્નજીવનના 40 વર્ષ સાથે વિતાવ્યા છે. ત્યારે વૃદ્ધાએ દવા લેવા પૈસાની માંગણી કરતા પતિએ ઉશ્કેરાઈ બોલચાલી અને માર માર્યો હતો. તેમની પુત્રી ઘરે આવી જતા મારમાંથી છોડાવી હતી. વૃદ્ધાએ તેના પતિ સામે શારીરિક માનસિક ત્રાસ, મારામારી અને દહેજ પ્રતિબંધક ધારા મુજબ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિ લગ્નના 3 મહિના બાદ જ ત્રાસ આપતો
વેજલપુર વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા ફ્લેટમાં લીનાબેન ત્રિવેદી (ઉ.વ.60) તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. 1980માં રીતરિવાજ મુજબ ભાવનગર ખાતે ગુરુદેવ ત્રિવેદી સાથે થયા હતા. લગ્નના ત્રણ માસ બાદ નાની વાતમાં તેમના પતિ બોલતા હતા. તને કંઈ આવડતું નથી, કંઈ શીખવાડ્યું નથી કહી માનસિક ત્રાસ આપતા હતા. તેમના દિયર અને નણંદ પણ ફોન કરી ચઢામણી કરતા હતા. બોલચાલી કરી ગાળો આપતા હતા. બધું સારું થઈ જશે માની તેઓ રહેતા હતા. ઘરમાં પૈસાની જરૂર હતી તો તારી મા પાસેથી લઇ આવ કહેતા હતા. વસ્તુઓ લાવવા પણ પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા હતા.

માર માર્યો અને હાથ પગ તોડવાની ધમકી આપી
આજે સવારે જ્યારે તેઓ ઘરે હાજર હતા ત્યારે લીનાબેનની તબિયત સારી ન હોવાથી દવા માટે પૈસાની માગણી કરતા પૈસા નથી કહી બોલચાલી અને તકરાર કરી હતી. ગડદાપાટુંનો માર મારી અને તેમને આજે હાથપગ તોડી નાખવાના છે એવી ધમકી આપી હતી. દરમિયાનમાં તેમની પુત્રી ચિત્રાગિની આવી જતા મારમાંથી છોડાવી હતી. બાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.