ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને શુક્રવારે ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપરલ પાર્કથી થલતેજ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લોકોમોટિવ વ્હિકલની મદદથી ટનલમાં થઈ શાહપુર, સાબરમતી બ્રિજ પરથી સ્ટેડિયમ સર્કલ સુધી ખેંચીને લઈ જવામાં આવી હતી. જોકે સ્ટેડિયમ સર્કલ સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવામાં 4 વર્ષનો વિલંબ થયો છે.
નજીકના ભવિષ્યમાં મેટ્રો રેલ કોર્પોરેશન ટ્રેક પર બાકી રહેલા કામને ઝડપથી પૂરા કરી ટૂંક સમયમાં જુની હાઇકોર્ટથી થલતેજ સુધીના રૂટ પર મેટ્રોનું ટેસ્ટિંગ અને ટ્રાયલ શરૂ કરશે. પ્રોજેક્ટ ઓગસ્ટ-2022 સુધીમાં પૂરો થઈ જવાની ગણતરી છે. શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ 2014માં લોન્ચ કરવામાં આવ્યો હતો. 18 ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોના ફેઝ એકમાં 40 કિમીના રૂટ પર ટ્રેન દોડાવવાનું આયોજન હતું પરંતુ જમીન સંપાદનમાં વિલંબ, કોર્ટ કેસ, કોરોના અને અન્ય સમસ્યાઓને કારણે પ્રોજેક્ટ પૂરો થવામાં 4 વર્ષનો વિલંબ થયો છે. હાલ મેટ્રો વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 કિમીના રૂટ પર દોડે છે.
પ્રોજેક્ટ ખર્ચ 2 હજાર કરોડ વધી ગયો
મેટ્રો પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં 4 વર્ષ મોડો હોવાથી પ્રોજેક્ટ ખર્ચ લગભગ 2 હજાર કરોડ વધી ગયો છે. જો ફેઝ-1માં 40 કિમીનો પ્રોજેક્ટ સમયસર પૂરો થયો હોત તો પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ 2018માં મેટ્રોમાં વાર્ષિક 4.50 લાખથી વધુ લોકો લાભ લઈ શક્યા હોત. વર્ષ 2021માં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા વધીને 6.50 લાખ થવાનો અંદાજ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.