કોંગ્રેસને 'જય’ શ્રીરામ:37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી, કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું

અમદાવાદ6 મહિનો પહેલા
  • જયરાજસિંહ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાઈ શકે ​​​​

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે.

ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનો ચહેરો
ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

ટ્વિટર પરથી કોંગ્રેસના હોદ્દાઓ હટાવ્યા
આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...