અમદાવાદની મહિલા ઓમિક્રોન વોર્ડમાં દાખલ:202 દિવસ પછી કોરોનાના 33 કેસ નોંધાયા, લંડનથી આવેલા 286 પેસેન્જરમાંથી શહેરના 2 સહિત 8 પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 8 પોઝિટિવમાંથી 4 નડિયાદના, 1 રાજકોટ, 1 રાજસ્થાનનો પેસેન્જર
  • નદીના પશ્ચિમના વિસ્તારમાં જ 80% કેસો નોંધાયા
  • 24 કલાકમાં​​​​​​​ આવેલા 33 કેસમાંથી 80 ટકા કેસ નવરંગપુરા, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા અને પાલડીના

શહેરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર થોડો ઊછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. જે અગાઉના દિવસે નોંધાયેલા 13 કેસ કરતાં 20 વધુ છે. લગભગ 202 દિવસ પછી કોરોનાના કેસનો આંકડો 30ને વટાવી ગયો છે. છેલ્લે 22 જૂને 30 કેસ નોંધાયા હતા.

બીજી તરફ સોમવારે મોડી રાતથી મંગળવારની સવાર સુધીમાં લંડનથી આવેલી ફ્લાઈટના 286 પેસેન્જરમાંથી અમદાવાદ 2 સહિત 8નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલા 8માં નડિયાદના 4, રાજકોટ તેમજ રાજસ્થાનના એક-એક પેસેન્જરનો સમાવેશ થાય છે. અમદાવાદની 28 વર્ષીય પોઝિટિવ મહિલાને હાલ સિવિલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે અન્ય એકને એસજીવીપીમાં દાખલ કરાયો છે. તમામ પેસેન્જરને ઓમિક્રોનનો ચેપ છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલા 33માંથી 80 ટકા કેસ પશ્ચિમ અમદાવાદના છે. જેમાં નવરંગપુરા, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, પાલડીનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં મ્યુનિ. હેલ્થ વિભાગે 7 હજારથી વધુ ટેસ્ટ કર્યા હતા. જ્યારે 13 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આ‌વ્યો છે. યુકે હાઈ રિસ્ક કન્ટ્રીની યાદીમાં આવતો હોવાથી લંડનથી આવેલી ફ્લાઈટના તમામ પેસેન્જરના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નેગેટિવ આવેલા પેસેન્જરોને પણ 7 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

મ્યુનિ. હેલ્થ વિભાગ આ તમામ પેસેન્જર પર નજર રાખશે. એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ ન આવ્યું ત્યાં સુધી તમામને 6થી 8 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. મેડિકલ સારવાર માટે ભારત આવેલું તાન્ઝાનિયાનું એક દંપતી રવિવારે પોઝિટિવ આવ્યું હતું. બંનેને એસવીપીમાં દાખલ કરાયા હતા. આ ઉપરાંત અગાઉ આણંદ અને નડિયાદનું એક-એક દંપતી લંડનની ફ્લાઈટમાં આવ્યા પછી પોઝિટિવ મળ્યું હતું.

વધુ 20 હજારને વેક્સિન અપાઈ
શહેરમાં 20071 નાગરિકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં 17107 જેટલા નાગરિકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો છે. જ્યારે 2964 જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. નોંધનીય છેકે, અત્યાર સુધીમાં શહેરમાં 4022 જેટલા નાગરિકોને ઘરે જઇને વેક્સિન આપવામાં આવી છે.

હોમ ક્વોરન્ટાઇન પેસેન્જર બહાર ન નીકળે તે માટે મ્યુનિ. કડક વોચ રાખશે
પોઝિટિવ આવતા પેસેન્જરને તેમના ઘર નજીકની હોસ્પિટલમાં દાખલ કરાય છે, પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેમને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇ રહેવા કહેવાય છે. આ તમામ પેસેન્જરો પર હેલ્થ વિભાગની ટીમ દ્વારા નજર રખાશે.અગાઉ લંડનથી આવેલો અને વાસણામાં રહેતો એક યુવક હોમ ક્વોરન્ટાઈનના નિયમ ભંગ કરી બહાર ફરતો હોવાથી પોલીસ ફરિયાદ થઈ હતી.

સિવિલના ઓમિક્રોન વોર્ડમાં બે દર્દીને સારવાર અપાઈ રહી છે
સોમવારે મોડી રાતે લંડનથી આવેલી ફલાઇટમાં અમદાવાદની 28 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી મહિલાને સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. મહિલાની સ્થિતિ સારી છે. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે મહિલાનો ફરીથી કોવિડ રિપોર્ટ કરાયો છે, તેમજ તેના સેમ્પલ ઓમિક્રોનના જીનોન સિકવન્સ માટે ગાંધીનગરની લેબોરટરીમાં મોકલી આપ્યા છે. આ 28 વર્ષીય મહિલા સાથે આણંદનો 48 વર્ષીય પુરુષ સહિત બે દર્દી સારવાર હેઠળ છે. - ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ

18 દિવસમાં ડેન્ગ્યુના 104, ચિકનગુનિયાના 99 કેસ
મચ્છરજન્ય રોગચાળો વધતાં શહેરમાં છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુના 104 તથા ચિકનગુનિયાના 99 નવા કેસ સામે આવ્યા છે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જોઇએ તો શહેરમાં ડેન્ગ્યુના 432 અને ચિકનગુનિયાના 923 કેસ સામે આવ્યા છે. શહેરમાં આ ઉપરાંત સાદા મેલેરિયાના છેલ્લા 18 દિવસમાં 7 અને ઝેરી મેલેરિયાના 6 કેસ સામે આવ્યા છે. નોંધનીય છેકે, આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં શહેરમાં ઝાડા-ઊલટીના 99, કમળાના 139 અને ટાઇફોઇડના 152 જેટલા કેસો છેલ્લા 18 દિવસમાં સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...