યુવરાજસિંહના સ્ફોટક ખુલાસા:2018 બાદ 6 પરીક્ષાનાં પેપર ફૂટ્યાં, ગૌણ સેવાની 8 ઉમેદવારોની નિયુક્તિ પર રોક, હાર્દિક પટેલે ભરી હતી OMR શીટ

અમદાવાદ25 દિવસ પહેલા
હાર્દિક પટેલના ફોટો સાથે યુવરાજસિંહ
  • અધિક મદદનીશ ઈજનેરની પરીક્ષામાં 12થી 15 લાખમાં વહીવટ થયો

યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલ ગેરીરીતિ મામલે ખુલાસા કરી ચૂક્યા છે, ત્યારે હવે 2018 બાદ લેવામાં આવેલી 6 જેટલી પરીક્ષામાં પણ થયેલ ગેરીરીતિ મામલે યુવરાજસિંહ ઘટસ્ફોટ કર્યા છે. યુવરાજસિંહે કેટલાક લોકોને નામ સાથે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પ્રકારે પ્રાંતિજમાં ઉમેદવારોને ભેગા કરીને પેપર આપવામાં આવ્યા હતા તે પ્રકારે અન્ય પરીક્ષામાં પણ પેપર આપવામાં આવ્યા હતા.

પેપર નંબર 1-હેડ ક્લાર્ક પેપર
પ્રાંતિજમાં જે પ્રકારે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું તે પ્રકારે ભાવનગરના પાલીતાણામાં 22 ઉમેદવારોને શ્રી બીસા હુમદ ભવનમાં ભેગા કરવામાં આવ્યા હતા અને ત્યાં દાનાભાઈ ડાંગરે પેપર આપ્યું હતું. દાનાભાઈ ડાંગરની અગાઉ જ પોલીસે ધરપકડ કરી છે. પરંતુ પાલીતાણામાં 22 લોકોને પેપર આપ્યું તે હજુ સામે આવ્યું નથી.

પેપર નંબર 2- સબ ઓડિટરની પરીક્ષા
10 ઓક્ટોબર 2021ના રોજ સબ ઓડિટરની પરીક્ષા હતી ત્યારે બગોદરા હાઇવે પર આવેલ મેરુ વિહાર લોલિયાની ધર્મશાળામાં 72 ઉમેદવારોને સાથે રાખવામાં આવ્યા હતા અને તમામ ઉમેદવારોને 9 ઓક્ટોબરે તુષાર મેર નામના વ્યક્તિએ સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી પેપર આપવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારો પાસ પણ થઈ ગયા છે.

પેપર નંબર 3-ATDO ની પરીક્ષા
17 જુલાઈ 2021ના રોજ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 12 ઉમેદવારોએ OMR શીટ કોરી છોડી હતી.કોરી છોડેલી OMR શીટને ગૌણ સેવા પસંદગી મંડળમાં કામ કરતા હાર્દિક પટેલે જાતે ભરી હતી. એક દંપતી સહિત 12 ઉમેદવારોના જવાબ એક જ સરખા હતા.

એક સરખા જવાબો લખેલી દંપતીની OMR શીટ
એક સરખા જવાબો લખેલી દંપતીની OMR શીટ

પેપર નંબર 4-જામનગર મનપા
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 19 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા હતી.આ પેપર વિશાલ ધોળકિયાએ ફોડ્યું હતું. પેપરનો ભાવ 5 થી 6 લાખ રૂપિયા નક્કી થયો હતો. પરીક્ષા અગાઉના દિવસે પેપરની ઝેરોક્ષ અપવામાં આવી હતી.બાવળિયા મહેશ નામના ઉમેદવારે પેપર લીધું હતું. કુલ 11 ઉમેદવારોએ ગેરરીતિથી પેપર લીધું હતું.

પેપર નંબર 5-એકાઉન્ટ,ઓડિટર,સબ ટ્રેઝરી
એકાઉન્ટ,ઓડિટર તથા સબ ટ્રેઝરી અધિકારીની પરીક્ષા યોજાઈ હતી.આ પરીક્ષામાં પણ ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ છે.તુષાર મેર નામના વ્યક્તિએ 9 ઉમેદવારોને પેપર આપ્યા હતા.15 લાખ રૂપિયામાં પેપર આપવામાં આવ્યા હતા.તુષાર મેર અત્યારે પણ પોલીસ કસ્ટડીમાં પણ છે હજુ આ પરીક્ષા અંગે ખુલાસો થયો નથી.

પેપર નંબર 6-અધિક મદદનીશ ઈજનેર
192 નંબરની જાહેરાતથી અધિક મદદનીશ ઈજનેરની પરીક્ષા યોજાઈ હતી. સુરેન્દ્રનગરના સાયલા પાસે પેપર લીક થયું હતું. 15 જેટલા ઉમેદવારોને પેપર આપવામાં આવ્યું હતું. 12 થી 15 લાખમાં વહીવટ થયા છે. આ ઉમેદવારોને બોલાવીને પેપર આપવામાં આવ્યા હતા.આ પેપર અંગે પણ ખુલાસો થયો નથી.

મારા જીવ પર જોખમ છેઃ યુવરાજસિંહ
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પેપર ફોડનાર અનેક આરોપીઓને પોલીસે પકડ્યા છે. પરંતુ આરોપીઓએ પોલીસ સામે કોઈ અલગ જ પેપર બતાવ્યું છે. આરોપીઓએ અન્ય પેપર લીક અંગે પણ પોલીસને જણાવ્યું નથી.આ તમામ ખુલાસા કરવાથી મારા જીવનું પણ જોખમ છે,તમામ લોકો માથા ભારે છે.તમામ સામે પોલીસ કાર્યવહી કરશે તેવી મને આશા છે.