જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને 14 દિવસ બાદ એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ઘરે જતા પહેલાં ખેડાવાલાએ હોસ્પિટલના તબીબો-પત્રકાર મિત્રો અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો. તેમણે સાથે-સાથે લોકોને કોરોનાથી નહીં ડરવાની સલાહ આપતા જણાવ્યું હતું કે લોકો હોસ્પિટલમાં જતા કે રિપોર્ટ કરાવતા ડરે નહિ અને પોતાના ઘરમાં રહીને મહત્ત્વના 4-5 દિવસો વેડફે નહીં. જે વ્યક્તિઓ પોતાની સારવાર કરાવવામાં મોડું કરે છે તેમની સ્થિતિ વધુ ક્રિટિકલ થઈ જાય છે. તેમણે એસવીપી હોસ્પિટલની સર્વોત્તમ સુવિધાઓ બદલ એએમસી કમિશનર વિજય નેહરાનો પણ આભાર માન્યો હતો.
ખેડાવાલાની જુબાનીમાં હોસ્પિટલનો અનુભવ
‘ચિહ્નો દેખાય તો ઘરે ન બેસી રહો, તુરત હોસ્પિટલમાં જાવ’
ઈમરાન ખેડાવાલાએ વિડિયોમાં જણાવ્યું હતું કે, “ગત 14 એપ્રિલથી મને એસવીપીમાં દાખલ કરાયો હતો અને આજે 14 દિવસ બાદ ડિસ્ચાર્જ કર્યો છે. અહીં મારા 14 દિવસના સમયગાળામાં ડોક્ટરો-મેનેજમેન્ટ-સ્ટાફ તરફથી જે સેવા આપવામાં આવી તે પ્રશંસનીય છે. અહીં હોસ્પિટલમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને ખૂબ સારી સારવાર અપાય છે. આજે આપ સહુ લોકો, તમામ મિત્રો, પત્રકારો, મિત્રો જેમણે મારા માટે દુઆઓ કરી, પ્રાર્થના કરી તે માટે સહુનો આભાર વ્યક્ત કરું છું. ખાસકરીને આપ સહુને અમદાવાદ અને ગુજરાતના લોકોને કહેવા માગું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. તેની સામે લડીને હરાવવાની જરૂર છે. જે લોકો પોતાના ઘરમાં બેસી રહે છે, હોસ્પિટલમાં દાખલ નથી થતા, મહત્ત્વના 4-5 દિવસો બગાડે છે અને છેવટે ક્રિટિકલ થઈને હોસ્પિટલમાં દાખલ થાય છે તેમને સારા પરિણામો નથી મળી શકતા. આપ સહુને વિનંતી કે આપ હોસ્પિટલના ડરથી દાખલ નથી થતા તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થાવ. હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર મળી રહી છે. ચિહ્નો દેખાય તો હોસ્પિટલમાં જ જાવ, પ્રશાસન ખૂબ સારી સુવિધા આપે છે. હું વિશેષ કરીને અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નેહરા અને સ્ટાફનો આભાર માનું છું. અમદાવાદ પોલીસ કમિશનરે પણ અમદાવાદ માટે પ્રશંસનીય કામગીરી કરી, તો તેમનો પણ આભાર માનું છું’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.