શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય:10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં ફેરફાર કરાયો, જિલ્લા ફેરબદલીની અરજી 10ને બદલી 5 વર્ષે કરી શકાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયેલા શિક્ષકોને મૂળ શાળામાં જગ્યા ખાલી પડે બદલીની માગણી કરી શકશે
  • રાજ્યના શિક્ષકોના સંગઠન સાથે નિયમો અંગેના પ્રશ્નો મુદ્દે શિક્ષણમંત્રીની બેઠક યોજાઈ

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોના નિયમો મુદ્દેના પશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા બાદ શિક્ષણ વિભાગ રાજ્યના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજી હતી. જે બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર કરશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદને સંબોધીને જાણકારી આપી હતી.

'3-4 હજાર શિક્ષકોને સત્વરે છૂટા કરાશે'
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, શિક્ષકોની લાંબા સમયના પડતર પ્રશ્નો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની અસર સીધી 2 લાખ શિક્ષકોને થશે. સર્વસંમતિથી ચર્ચા કરીને અને શિક્ષણનું હિત, વિદ્યાર્થીઓનું હિત અને સાથે એડમિનિસ્ટ્રેશનનું હિત જળવાય તેવો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી. તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. આ નિર્ણયથી લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

10 વર્ષ બાદ નિયમોમાં ફેરફાર
તેમણે વધુમાં કહ્યું, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 2012માં થયા હતા, તેમાં સંગઠન અને શિક્ષકોના હિતમાં નવા નિયમો તૈયાર કર્યા છે. અત્યાર સુધી જે-તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, તેના બદલે જે-તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.

  • જિલ્લા ફેર અરસપરસ અને આંતરિક બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા મહત્વપૂર્ણ હતા, તે મહત્વની જોગવાઈ હવેથી દૂર કરવામાં આવી છે. એટલે વતન શબ્દ દૂર કર્યો છે.
  • જે બોન્ડેડ શિક્ષકોને 10 વર્ષ 1 જગ્યાએ નોકરીની શરતે નિમણૂંક અપાઈ છે, તેવા શિક્ષકો 5 વર્ષ પછી બદલીની અરજી કરી શકશે.
  • સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે. જે શિક્ષકો વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે અને ઈચ્છે તો બદલીની માગણી કરી શકશે.
  • સરકારી કર્મી રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં પતિ-પત્નીના કિસ્સામાં ફેરબદલીનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા (ગ્રાન્ટેડ) ગુજરાત સરકારના જાહેર સાહસો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો અને તેની કંપનીના કિસ્સામાં પણ અપાશે.
  • બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરાઈ છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોને બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને ફાયદો થશે.

નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે
જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...