એક-એક દિવસનો સંઘર્ષ:તાલીબાની ક્રૂરતાથી બચતા ફરતા પરિવારે અમદાવાદમાં રહેતા પુત્રને કહ્યું, 'અઠવાડિયામાં જ અફઘાનિસ્તાન 2001 જેવું થઈ ગયું'

અમદાવાદ5 મહિનો પહેલા
અફઘાનિસ્તાનમાં સ્થિતિ ચિંતાનજક
  • એક મહિના પહેલા પરિવાર સાથે વાત થઈ હતી, હવે એમનું શુ થયું ખબર નથી: વિદ્યાર્થી
  • ખાવા પીવાની વસ્તુઓ મોં માંગી કિંમતે વેચાય છે, પરિવારમાં હવે કોઈ કમાનાર નથી: વિદ્યાર્થી
  • ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમનો અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે Divya Bhaskarની ખાસ વાત

અફઘાનીસ્તાનમાં અમેરિક સેના પાછી જતા જ ફરી બે દાયકા અગાઉની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાલીબાનોએ સમગ્ર દેશ પર કબજો કરી લીધો છે. અફઘાનીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ પણ દેશ છોડીને વિદેશમાં આશરો લઈ રહ્યા છે. એવામાં તાલીબાની ક્રૂરતાથી બચવા અફઘાની લોકો મોટી સંખ્યામાં દેશ છોડીને પલાયન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનોની ચિંતામાં છે. શહેરમાં ગુજરાત યુનિ.ના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે Divya Bhaskarએ સંપર્ક કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં અભ્યાસ કરતા અફઘાની સ્ટુડન્ટે વર્ણવી દેશની સ્થિતિ
ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં માસ્ટર્સનો કોર્ષ કરતા બરકતઉલ્લા રસુલીએ Divya Bhaskar સાથે વાત કરતા જણાવ્યું કે, હું અહીંયા સ્કોલરશીપ પર માસ્ટર ભણવા આવ્યો ત્યારે ઘણા સપનાઓ સાથે લાવ્યો હતો. એક મહિના પહેલા મારા પરિવાર મારી સાથે વાત થઈ ત્યારે તાલિબાની એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી. પણ અમને એમ હતું કે બધુ સારું થઈ જશે. પણ પછી પરીવારનો સંપર્ક કપાઈ ગયો. અહીંયા રોજ પરિવારની ચિંતા થાય છે કે તે સલામત હોય. એકદમ અમારું અફઘાનિસ્તાન 20 વર્ષ પહેલાંની સ્થિતિમાં આવી ગયું. હવે જે જાણવા મળે છે તે જોઈને આંખો ભરાઈ આવે છે. મારા સપના, ભવિષ્ય જાણે એક ક્ષણમાં ભુલાઈ ગયું છે. હવે ફરી રસ્તા પર આવી ગયા તેવી સ્થિતિ થઈ છે.

તાલિબાનોની ક્રૂરતાથી બચવા દેશ છોડીને ભાગી રહ્યા છે લોકો
તાલિબાનોની ક્રૂરતાથી બચવા દેશ છોડીને ભાગી રહ્યા છે લોકો

'મહિના અગાઉ પરિવાર સાથે વાત થઈ હતી'
બરકતઉલ્લા વધુમાં કહે છે, હું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા વર્ષમાં છું અને ટૂંક સમયમાં ભણતર પૂરું થશે. મારો પરિવાર અફઘાનિસ્તાનના ગજનીમાં રહે છે. 1 મહિના અગાઉ પરિવાર સાથે વાત થઇ હતી, અમારો જીલ્લો અત્યારે તાલીબાન દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અત્યારે મને પરિવારની ચિંતા અને ડર છે. એક અઠવાડિયામાં 20 વર્ષ અગાઉ હતી તેવી 2001 જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકા પણ અમારા દેશને અધ વચ્ચે છોડીને ગયું છે તો હવે ભારતે અફઘાનિસ્તાનની મદદ કરવી જોઈએ.

અફઘાનિસ્તાનને મદદ માટે દેશો આગળ આવે તેવી અફઘાનીઓની માંગ
અફઘાનિસ્તાનને મદદ માટે દેશો આગળ આવે તેવી અફઘાનીઓની માંગ

'ભારતે સ્થિતિ સુધરવા સુધી વિદ્યાર્થીઓની મદદ કરવી જોઈએ'
અફઘાની વિદ્યાર્થી બરકતઉલ્લાનું કહેવું છે કે, ભારતે અમેરિકા અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી પર દબાણ લાવીને અફઘાનિસ્તાન અંગે નિર્ણય લેવો જોઈએ. અમારી રાજધાની કાબુલમાંથી અમારી સરકાર પણ જતી રહી છે અને હવે તાલીબાન રાજ કરી રહ્યા છે તો ત્યાં ઇલેકશન થવું જોઈએ. ઇલેકશન વિના કાબુલની સરકારને માન્યતા ના આપવી જોઈએ. હું અમદાવાદમાં હવે 1 મહિનો છું. મારા વિઝા પણ પુરા થાય છે અને મારી સ્કોલરશીપ પણ બંધ થશે, તો ભારત સરકારે જે અફઘાની ભારતમાં છે તેમના વિઝા પુરા થતા મુદત વધારવી જોઈએ. ભારતે સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અફઘાનીઓની મદદ કરવી જોઈએ.