અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી સૌ વાકેફ છે. દુનિયાભરમાં અત્યારે અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે અમદાવાદનું પણ અફઘાનિસ્તાન સાથે કનેક્શન છે. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં અનેક અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ભણે છે, ત્યારે હાલમાં અફઘાનિસ્તાનમાં રહેતો અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ યુનિવર્સિટીને પોતાનો ઓડિયો- ક્લિપ મોકલીને પોતાની આપવીતી જણાવીને મદદ માગી છે.
ઓડિયો-ક્લિપમાં વિદ્યાર્થીએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અને હાલમાં અફઘાનિસ્તાનમાં રહેતા વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીને એક ઓડિયો-ક્લિપ મોકલી છે. આ ઓડિયો-ક્લિપ વિદ્યાર્થીએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી છે અને મદદ માટે આજીજી કરી છે. વિદ્યાર્થીએ પોતાના હૃદયદ્રવ્ય અવાજમાં જણાવ્યું છે કે હું ગુજરાત યુનિવર્સિટીનો જ 2 વર્ષ અગાઉ ભણતો વિદ્યાર્થી છું. હાલમાં અફઘાનિસ્તાનમાં પરિવાર સાથે રહું છું. તમે મારા દેશની પરિસ્થિતિ વિશે જાણો જ છો. અમે છેલ્લાં 20 વર્ષમાં જે મેળવ્યું હતું એ બધું ગુમાવી દીધું છે અને અત્યારે 2001 જેવી સ્થિતિમાં પરત આવી ગયા છીએ. તાલિબાનો અભણ છે, તેઓ જુલમ ગુજારી રહ્યા છે.
તાલિબાનોને મારા કામની જાણ થશે તો મારી નાખશે
મેં 1 વર્ષ સરકારી નોકરી કરી હતી અને અન્ય સંસ્થા માટે પણ કામ કર્યું હતું. તાલિબાનોને મારા કામ અંગે જાણ થશે તો મને મારી નાખશે. હાલમાં તો હું છુપાઈને ફરી રહ્યો છું. અત્યારે ઊભી થયેલી અણધારી પરિસ્થિતિને કારણે મારે અફઘાનિસ્તાન છોડવું છે. મારી સાથે મારી પત્ની પણ રહે છે, જે 2 દિવસથી રડી રહી છે અને મને કહે છે કે તાલિબાનને કારણે મહિલાઓ પર પણ ઘણા પ્રતિબંધ આવ્યા છે, એજ્યુકેશન પણ હવે નહિ મળી શકે.
હું સ્કોલરશિપ પર ભારત આવવા તૈયાર છું
રડમસ અવાજે પૂર્વ વિદ્યાર્થીએ જણાવ્યું, હું જાણું છું ગુજરાત યુનિવર્સિટીના સરકાર સાથે અને ખાનગી સંસ્થાઓ સાથે સંબંધ છે. ભારતમાં અમારા માટે કોઈ કામ હોય તો અમનેઅપાવી અમારી મદદ કરો. હું સ્કોલરશિપ પર ભારત આવવા તૈયાર છું. પત્ની પણ મારી સાથે આવશે. બસ, તમે શક્ય હોય તો કામ અમને અપાવો. અહીં ઘણી સમસ્યા છે, તાલિબાન મારા કામનો અનુભવ જાણે છે, જે મારા માટે જોખમકારક છે. હું તમારા તરફથી અમને મદદ મળે એના જવાબની રાહ જોઈ રહ્યો છું.
વિદ્યાર્થીએ 3 મિનિટની ઓડિયો-ક્લિપ મોકલી હતી
3 મિનિટની ઓડિયો-ક્લિપ પૂર્વ વિદ્યાર્થીએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી અને પોતાને લાગી રહેલા જોખમ અંગે ગુજરાત યુનિવર્સિટીને જણાવ્યું હતું. તેને ખબર છે કે ગુજરાત યુનિવર્સિટી મદદ નહિ કરી શકે છતાં યુનિવર્સિટીમાં ભણ્યો હોવાને કારણે મદદ માટેનો મરણિયો પ્રયાસ વિદ્યાથીએ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.