સ્કૂલ સંચાલકોની વાલીઓને સલાહ:વિદ્યાર્થી બહારગામથી આવે તો બે દિવસ સ્કૂલે નહીં મોકલવા સલાહ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ રોકવા સંચાલકો સરકારને રજૂઆત કરશે
  • ​​​​​​​બાળક કે પરિવારમાં કોઈને કોરોનાનાં લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવા સૂચન

શહેરની બે સ્કૂલમાં કોરોનાના ચાર કેસ નોંધાવાને પગલે સ્કૂલો સંચાલકો સરકારને 3 મુદ્દાની રજૂઆત કરશે. સંચાલકોએ વાલીઓને પણ સલાહ આપી છે કે જો તેમનું બાળક બહારગામ કે પ્રવાસથી આવે તો તેને બે દિવસ સ્કૂલે મોકલશો નહીં, આ ઉપરાંત બાળકમાં કે કુટુંબના કોઇ સભ્યમાં કોરોના સંક્રમણના ચિહ્નો દેખાય તો તુરંત કોરોનાનો રિપોર્ટ કરાવો અને ટેસ્ટ કરીને જ સ્કૂલે મોકલો. જેથી અન્ય બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય.

સ્કૂલોમાં બાળકોને કોરોનાના કેસોની સંખ્યા વધે નહીં તે માટે મોટાભાગની સ્કૂલોએ વાલીઓને મેસેજ કરીને સૂચના આપી છે કે જો ઘરમાં કોઇપણ સભ્ય બીમાર હોય તો બાળકોને સ્કૂલે ન મોકલશો અને તેની જાણ તુરંત જ સ્કૂલને કરવામાં આવે. વાલીઓએ અન્ય બાળકોની હેલ્થની સુરક્ષાને ધ્યાને લઇને ઓફલાઇન ન મોકલતા ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવું.

સરકાર દ્વારા જાહેર કરેલી ગાઇડલાઇનમાં વાલીઓને પણ સૂચના અપાઇ છે, પરંતુ ઘણા વાલીઓ ગાઇડલાઇનનું પાલન કરતા નથી. તેથી સ્કૂલ સંચાલકોએ સરકારના માધ્યમથી વાલીઓ માટે સૂચના જાહેર કરાઇ તેવું માની રહ્યાં છે. શનિવારે સ્કૂલ સંચાલકોના ગ્રૂપમાં ચર્ચા હતી કે વાલીઓને પણ પોતાની જવાબદારી સમજાય તે માટે સરકાર તરફથી સુચના જાહેર કરાવવી જોઇએ. જેમાં બાળકને કોઇપણ લક્ષણ હોય અથવા કુટુંબમાં કોઇ બીમાર હોય તો સ્કૂલે ન મોકલે.

સ્કૂલના વાહનમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી
બાળકો માટે સ્કૂલ વેન અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કનો નિયમ હોવા છતાં પણ તેનું પાલન કરાતું નથી. આ ઉપરાંત તેના પર કોઇ મોનિટરિંગ સ્કૂલ, શિક્ષણ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા પણ કરાતું નથી. તેથી જો એક બાળક પોઝિટિવ હોય તો સ્કૂલ કરતા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સંક્રમણ ફેલાવવાનો સૌથી વધુ ડર હોય છે.

ગાઇડલાઇનના ભંગની હજુ સુધી એકપણ સ્કૂલને નોટિસ મળી નથી
સરકાર દ્વારા ઓફલાઇન વર્ગો શરૂ કરવાની સાથે સ્કૂલો માટે ચોક્કસ ગાઇડલાઇનનો અમલ કરવા જણાવ્યું હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એકપણ સ્કૂલને કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ નોટિસ આપી નથી. સ્કૂલોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ ન થતો હોવા છતાં એકપણ સ્કૂલને કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી એકપણ સ્કૂલને બેદરકારી માટેની નોટિસ અપાઇ નથી.

ગાઈડલાઈનમાં વધારા માટે રજૂઆત
સંચાલકો દ્વારા ચર્ચા વિચારણા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે વાલી માટે ગાઇડલાઇનમાં અમુક મુદ્દા ઉમેરવા માટે સરકારને રજૂઆત કરાશે. જેમાં બાળક જો બહાર ફરવા ગયું હોય તો બે દિવસ સ્કૂલે ન મોલવો, ઉપરાંત કુટુંબનું કોઇ વ્યક્તિ બિમાર હોય તો પણ સ્કૂલને જાણ કરવી અને બાળકને સ્કૂલે નહીં મોકલવા કડક સૂચના આપવી જોઇએ. કોઈ લક્ષણ દેખાય તો વાલીએ ખુદે વધુ તકેદારી રાખવી જોઈએ. > મનન ચોક્સી, પ્રેસિડેન્ટ - એઓપીએસ

​​​​​​​10 દિવસમાં રાજ્યમાં 18 બાળકો પોઝિટિવ
અમદાવાદની બે સ્કૂલોમાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 18 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શુક્રવારે છારોડીની નિરમા વિદ્યા વિહારના 3 અને ઉદગમની એક વિદ્યાર્થિનીની કોરોના પોઝિટિવ આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...