એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:અડવાણી અર્જુન અને મોદી કૃષ્ણ, રથયાત્રાનેે કારણે દેશમાં ભગવા સાથે ભાજપ: રામજન્મભૂમિના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલ

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • કૉપી લિંક
  • રામજન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી છે કામેશ્વર ચોપાલ, તેઓ હાલમાં ગુજરાત-અમદાવાદમાં છે
  • લાલકૃષ્ણ અડવાણી 1986માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમણે 1987માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન સચિવ બનાવ્યા

રામમંદિર માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે એના ટ્રસ્ટી છે કામેશ્વર ચોપાલ ગુજરાત-અમદાવાદમાં છે. તેમણે રામમંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે અડવાણી અર્જુન અને મોદી કૃષ્ણ છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાને કારણે આજે દેશમાં ભગવા સાથે ભાજપ છે. ઘણાં વર્ષોથી રામમંદિરને લઈને દેશમાં ચર્ચા ચાલતી હતી. રામમંદિર માટે કેટલાક હિન્દુ નેતાઓએ તેમની આખી જિંદગી દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા હતા. આ રામ જન્મભૂમિની જગ્યાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એને અનેક રાજનૈતિક પાર્ટીઓએ આવકાર્યો છે. જોકે આની પાછળ ઘણાં સંગઠનોએ કામ કર્યું છે, પરંતુ આ મુદ્દો ભાજપના સંઘર્ષનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. 1984ના લોકસભાના ઇલેક્શનમાં ભાજપને માત્ર 2 સીટ પર જ જીત મળી હતી, ત્યાર બાદ પાર્ટીએ નક્કી કર્યા મુજબ રામમંદિરના મુદ્દાને લઈને પ્રચાર કરવાનું શરૂ કર્યું.

અડવાણી ભાજપ-અધ્યક્ષ બન્યા એટલે મોદીને ગુજરાતના ભાજપ સચિવ બનાવ્યા
કામેશ્વર ચોપાલે જણાવ્યું હતું કે 1986માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી બન્યા હતા. અધ્યક્ષ બન્યા બાદ તેમણે 1987માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન સચિવ બનાવ્યા હતા. એ વખતની સ્થિતિને ધ્યાનમાં લઇને તો અમે ચિંતિત હતા. અમને લાગતું હતું કે દેશમાં બે ભાગલા પડી ચૂક્યા છે. એના થોડા દિવસ બાદ અડવાણીએ સોમનાથથી બિહારના સમસ્તીપુર સુધીની ન્યાયયાત્રા યોજી અને એની જવાબદારી મોદીને સોંપી હતી. આ યાત્રા રામમંદિર આંદોલન માટે કાઢવામાં આવી હતી, જેમાં અડવાણી અર્જુન હતા અને તેમના સારથિ મોદી એટલે કે શ્રી કૃષ્ણ હતા, જેને કારણે આજે આખો દેશ રામમય બન્યો છે એમ હું માનું છું. આ યાત્રાને કારણે ત્યારથી લઈને અત્યારસુધી આખા દેશમાં ભગવા સાથે કમળ પણ લહેરાયું છે. આને કારણે જ ગુજરાતના આ રામમંદિરના આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા રહી છે એવું હું માનું છું.

પ્રવીણ તોગાડિયાનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું હતું: કામેશ્વર ચોપાલ
કામેશ્વર ચોપાલે વધુમાં જણાવ્યું હતું કે, હું વિશ્વ હિન્દુ પરિષદથી ઘણા સમયથી જોડાયેલો છું હું માનું છું કે પ્રવીણ તોગાડિયાએ ગુજરાતમાં રામ મંદિર માટે સંઘર્ષ કર્યું હશે, તેમનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય લેવલે ન હતું. ગુજરાત બહારની તેમની કામગીરી મેં નથી જોઈ. જોકે આમાં તમામ લોકોનો સંઘર્ષ હતો અને આમ મારી દ્રષ્ટિએ લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એ રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી
લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી

મને વિશ્વાસ ન હતો કે સંગઠન મને રામજન્મભૂમિ તીર્થક્ષેત્રનો ટ્રસ્ટી બનાવશે: ચોપાલ
રામ જન્મભૂમિ માટે ઘણા વર્ષોથી વિવાદચાલતા હતા. આ વિવાદના કારણે દેશમાં ઘણી જગ્યાએ તોફાનો થયા. રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘે ઘણા પ્રચાર-પ્રસાર કર્યા. 1989માં રાજીવ ગાંધીની સરકારના સમયગાળા દરમિયાન રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે ઘણી વાટાઘાટો થઈ હતી, ત્યારે પ્રથમ કારસેવક કામેશ્વર ચોપાલે રામ જન્મભૂમિ પર ભગવો ઝંડો લગાવ્યો અને એ રામ જન્મભૂમિ પર પહેલી ઈંટ મૂકી હતી. તેઓ જણાવ્યું હતું કે, આ કાર્ય કર્યા બાદ મને ઘણો આનંદ થયો હતો સાથે મારી જવાબદારી પણ વધી હતી. મને લાગતું હતું કે, આખા દેશમાં ધમાલ થઈ જશે. પરંતુ રામનું નામ લઈને હું આગળ વધ્યો હતો. ત્યારે જ મને લાગ્યું હતું કે ,હવે મંદિર તો રામ જન્મભૂમિ પર જ બનશે. મને વિશ્વાસ ન હતો કે સંગઠન મારા પર વિશ્વાસ મુકશે પરંતુ આ બધું મારી મહેનતના કારણે છે .

રામ સમર્પણ નિધિ અભિયાનમાં કામેશ્વર ચોપાલ અમદાવાદમાં ઘરેઘરે ફરીને દાન મેળવી રહ્યા છે
રામ સમર્પણ નિધિ અભિયાનમાં કામેશ્વર ચોપાલ અમદાવાદમાં ઘરેઘરે ફરીને દાન મેળવી રહ્યા છે

ગુજરાતમાં બે દિવસમાં 13 કરોડનું દાન મળ્યું
રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે રામ સમર્પણ નિધિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાંમાં ગુજરાતમાંથી 100 કરોડનું દાન મળ્યું હતું અને હવે બીજા તબક્કામાં જ્યારે 2 લાખ કાર્યકતાઓ ઘરઘર જઈને આ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં માત્ર 2 દિવસમાં 13 કરોડનું દાન મળ્યું છે. કામેશ્વર ચોપાલે જણાવ્યું કે, મને લાગે છે ગુજરાતમાંથી સૌથી વધારે દાન મળશે. કારણ કે ગુજરાત શ્રી કૃષ્ણની ભૂમિ છે. હું પણ આ અભિયાન અંતર્ગત ઘર ઘર જઈને નિધિ એકઠી કરી રહ્યો છું કારણ કે આ તો શ્રી રામનું કામ છે.