બજારમાં ધૂમ ખરીદી:ફટાકડાની ખરીદી માટે એડવાન્સ બુકિંગ કરવાં પડ્યાં, એક જ દિવસમાં દોઢ કરોડનું વેચાણ થયું

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફટાકડા બજારમાં ખરીદી નીકળતાં દિલ્હી દરવાજા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. - Divya Bhaskar
ફટાકડા બજારમાં ખરીદી નીકળતાં દિલ્હી દરવાજા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
  • દિલ્હી દરવાજા, રાયપુર, અંકુર, મણિનગર સહિતના ફટાકડા માર્કેટમાં ખરીદી માટે ભીડ જામી

કોરોનાના કારણે ગત વર્ષે ફટાકડાનું જોઈએ એવું વેચાણ થયું ન હોતું. જેના કારણે ફટાકડાના વેપારીઓને ખાસ્સું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે કોરોનાના કેસ ઘટતાં લોકોમાં તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરમાં એક જ દિવસમાં 1થી 1.50 કરોડના ફટાકડા વેચાયાનું વેપારીઓ જણાવે છે. દિલ્હી દરવાજા, રાયપુર, અંકુર, મણિનગર સહિતના ફટાકડા માર્કેટમાં ખરીદી માટે ભીડ જામી હતી.

તહેવારોને લઇને શહેરના તમામ બજારોમાં સારી ઘરાકી રહેતા વેપારીઓ ખુશ છે. ધાર્યા કરતા વધારે વેપાર થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ત્યારે ફટાકડા બજારમાં પણ આ વર્ષે સારી ઘરાકી જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે શહેરના વિવિધ બજારોમાં ફટાકડાની ખરીદી માટે સવારથી ભીડ જોવા મળી હતી. ફટાકડાના વેપારી આશીષ ખજાનચીએ જણાવ્યું કે, માત્ર બુધવારે શહેરમાં અંદાજે રૂ. 1થી 1.50 કરોડના ફટાકડાનું વેચાણ થયું છે. છેલ્લી ઘડીની ખરીદી નીકળી છે અને લોકો એડવાન્સ બુકિંગ અને ફોન ઉપર બુકિંગ કરાવી રહ્યાં છે.

આતશબાજીવાળા ફટાકડાની વધુ માંગ
ફટાકડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે તેમ છતાં લોકોની માંગ વધી છે. કોરોના બાદ ફટાકડાની ખરીદીમાં લોકોનો ટ્રેન્ડ બદલાયો છે. કોરોના પહેલા લોકો મોટા અવાજના ફટાકડા વધારે લેતા હતા પરંતુ આ વર્ષે આતશબાજી વાળા ફટાકડા વધારે લઇ રહ્યાં છે. આ ઉપરાંત મોટા કરતા નાના બાળકોના ફટાકડાનું વેચાણ વધારે થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...