નકલી માર્કશીટથી ઠગાઈ:અમદાવાદમાં NEETની બનાવટી માર્કશીટથી ડેન્ટલ કોલેજમાં એડમીશન લીધું, શિષ્યવૃત્તિ લેવા ફ્રી શીપ કાર્ડ મેળવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોલેજના આચાર્યએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

ગુજરાતમાં નકલી માર્કશીટ અને ડિગ્રીને આધારે નોકરી કે એડમિશન મેળવવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં એક યુવતીએ બનાવટી માર્કશીટ રજુ કરીને ડેન્ટલ કોલેજમાં એડમીશન મેળવ્યું છે. માર્કશીટ ખોટી હોવાનું જાણવા છતાં તેણે સરકારની શિષ્યવૃત્તિ મેળવવા માટે ફ્રી શીપ કાર્ડ પણ મેળવી લીધું હતું. આ બાબતે કોલેજના આચાર્યએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કોલેજમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો કોર્સ ચાલે છે
બોપલ ખાતે ટ્રસ્ટ દ્વારા સ્વનિર્ભર કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સિઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં દેવલબેન મહેતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બોપલ ખાતેની ડેન્ટલ કોલેજમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરે છે. તેમની કોલેજમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો કોર્સ ભણાવવામાં આવે છે. તેમની ફરિયાદ પ્રમાણે ગત પહેલી ફેબ્રુઆરીએ ગાંધીનગર એડમિશન કમિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બેચલર ઓફ ડેન્ટલ સર્જરીના એડમિશન આપવાની શરૂઆત કરી હતી. જેમાં તેમની કોલેજમાંથી 100 સીટો ભરવાની હતી.

એડમીશન કમિટીએ 75 સીટો પર એડમિશન કર્યું હતું
તેમની કોલેજમાં 27 એપ્રિલ 2022 સુધીમાં એડમીશન કમિટીએ 75 સીટો પર એડમિશન કર્યું હતું. તે ઉપરાંત બાકી રહેલી 25 સીટો ભરવા માટે જાણ પણ કરી હતી. ત્યાર બાદ આ માટે સમાચાર પત્રોમાં એડમિશન માટે જાહેરાત આપવામાં આવી હતી. જાહેરાત આપી એ દિવસે દિયા પરીખ નામની યુવતી દેવલબેનની કોલેજમાં એડમિશન લેવા માટે આવી હતી. તેણે ધોરણ 12ની માર્કશીટ તથા નીટની માર્કશીટ આપી હતી. આ માર્કશીટના આધારે એડમિશન આપવાનું યોગ્ય જણાતાં તેને એડમિશન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ 25 સીટો ભરાઈ ગયા બાદ કોલેજ દ્વારા ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દિલ્હીની વેબસાઈટ પર તેમને સીલેક્ટ થયેલ તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે.

પ્રિન્સિપાલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
પ્રિન્સિપાલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં એરર આવતી હતી
આ દરમિયાન 99 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યાં હતાં પણ દિયા પરીખ નામની યુવતીના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં એરર આવતી હતી. દિયા પરીખ નામની આ યુવતીના નીટના માર્ક 50 હતાં અને એડમિશન વખતે નીટની માર્કશીટ રજુ કરી તેમાં 279 માર્ક વાળી માર્કશીટ રજુ કરી હતી. જેથી અમને ટેકનીકલ પ્રોબ્લેમના લીધે આવી એરર આવતી હશે એવી માન્યતાને કારણે તેમણે દિલ્હી ખાતે ઈમેલ દ્વારા જાણ કરી હતી. જાણ કર્યા બાદ દિલ્હીથી જવાબ આવ્યો હતો કે, તમારો પ્રોબ્લેમ ટેકનીકલ પ્રોબ્લેમ નથી.

પ્રિન્સિપાલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દિયા નામની યુવતીની 50 માર્કવાળી માર્કશીટ છે. તે અનુસૂચિત જાતિની હોવાથી તેને સરકાર તરફથી અભ્યાસ કરવા માટે ચાર વર્ષની અભ્યાસની શિષ્યવૃત્તી સરકાર દ્વારા મળતી હોય છે. જેથી આ દિયાએ તેની ધોરણ 10 અને 12ની માર્કશીટ અમદાવાદ બહુમાળી ભવન લાલદરવાજા સમાજ કલ્યાણની ઓફિસમાં બતાવવાની હોય છે જે આધારે સમાજ કલ્યાણની ઓફિસમાંથી 11 મેના રોજ ઈશ્યુ કરવામાં આવેલ ફ્રી શીપ કાર્ડ તેણે અમારી કોલેજમાં રજુ કર્યું હતું. તેણે પોતાની નીટની માર્કશીટ ખોટી હોવા છતાં કોલેજમાં એડમીશન મેળવીને ખોટી રીતે સરકારની શિષ્યવૃત્તિ મેળવી ઠગાઈ કરી છે. આ બાબતે કોલેજના પ્રિન્સિપાલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...