અમદાવાદના સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ધોરણ 1 માં વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે એડમિશન લીધું હોવાની સ્કૂલે DEOને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ તપાસ ચાલી હતી પરંતુ સ્કૂલે RTEના એકપણ બાળકને પ્રવેશ આપ્યો નહતો. DEOએ ખોટા અવકના પ્રમાણપત્ર બાબતે મામલતદાર અને તલાટી કચેરીએ જાણ કરી હતી પરંતુ કોઈ પગલાં ના લેવાતા નવા DEO દ્વારા ફરીથી તપાસ શરૂ કરવામાં આવશે.
બાળકોના અભ્યાસનું એક વર્ષ બગડ્યું
અગાઉ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ખોટા અવકના દાખલ મામલે મામલતદાર અને તલાટી ઓફિસે જાણ કરી હતી. જ્યાંથી એક રિપોર્ટ DEO કચેરીને મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેમાં અવકનો દાખલો સાચો કે ખોટો છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. કોઈ સ્પષ્ટતા ના થવાના કારણે બાળકોને સ્કૂલે પ્રવેશ પણ ના આપ્યો જેના કારણે અનેક બાળકોનું અભ્યાસનું એક વર્ષ પણ બગડ્યું છે.
ખોટા અવકના દાખલ હશે તેના એડમિશન રદ
DEO કચેરીમાં નવા DEO રોહિત ચૌધરી આવ્યા છે. તેમને ફરીથી તપાસ શરૂ કરી છે. જે પણ વાલી સામે સ્કૂલે ફરિયાદ કરી હતી તે તમામ વાલીને ફરીથી DEO કચેરી બોલાવીને હિયરિંગ કરવામાં આવશે જેમાં વાલીઓને નિવેદન લેવામાં આવશે. વાલીઓને નિવેદનના આધારે ફરીથી મામલતદાર ઓફીસને DEO દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે. ખોટા અવકના દાખલ હશે તેના એડમિશન રદ કરવામાં આવશે .
કોઈ પગલાં નહિ લેવાય તો એક તરફી કાર્યવાહી
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દાખલો જે કચેરીએ આપ્યો હશે તેને જાણ કરવામાં આવશે. 7 દિવસમાં કચેરી દ્વારા કોઈ પગલાં નહિ લેવાય તો એક તરફી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક નિયામકને જાણ કરીને RTEના એડમિશન રદ કરવા અભિપ્રાય આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.