પશ્ચિમ બંગાળ સરકારે લીધેલા એક મહત્ત્વના નિર્ણયમાં રાજ્યમાં તમામ એરપોર્ટ પર આવતાં એર પેસેન્જર્સ માટે કોરોનાની રસીના બંને ડોઝ ફરજિયાત કર્યા છે. આ નિર્ણય 1 નવેમ્બરથી અમલી બની ગયો છે. રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બી.પી. ગોપાલિકાએ સિવિલ એવિએશન મંત્રાલયને લખેલા એક પત્રમાં આ વિશે એરલાઇનોને યોગ્ય સૂચનાઓ આપવા માટે વિનંતી કરી છે. જોકે જે લોકોએ બંને રસીના ડોઝ નહીં લીધા હોય તેમને છેલ્લા 72 કલાકનો કોવિડ નેગેટિવ રિપોર્ટ હશે તો એરપોર્ટ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદના મુસાફરો માટે સપ્તાહમાં ત્રણ દિવસ જ પશ્ચિમ બંગાળના એરપોર્ટ માટેની મર્યાદા યથાવત્ રખાઈ છે. અન્ય બે શહેરો પુણે અને નાગપુર માટે પણ આ નિયમ યથાવત્ રખાયો છે. પ. બંગાળે અગાઉ ત્રણ દિવસની મર્યાદા દેશનાં કેટલાય શહેરો માટે મૂકી હતી, જેને તબક્કાવાર હટાવાઈ હતી. હવે તેમાં અમદાવાદ, નાગપુર અને પુણેનો જ સમાવેશ છે.
ગુજરાતથી સિક્કિમ, દાર્જિલિંગ, કોલકાતા તેમ જ નોર્થ-ઇસ્ટ જવા માગતા લોકો પ. બંગાળના કોલકાતા અને બાગડોગરા એરપોર્ટની ટિકિટ કરાવે છે. તે જોતાં કોવિડ અંગેના નવા નિયમો મહત્ત્વના સાબિત થાય છે. જો કોઈએ બંને ડોઝ નહીં લીધા હોય અથવા તો કોઈનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમનો દિવાળીનો વેકેશનનો પ્રવાસ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
બે ડોઝ લેનારાને જ ટ્રાવેલ કરવાની સલાહ
ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એસોસિયેશન ઓફ ગુજરાતનાં પ્રમુખ અનુજ પાઠકે કહ્યું, અમે કસ્ટમર્સને પહેલેથી જ સલાહ આપીએ છીએ કે બે ડોઝ લીધા હોય અને બીજા ડોઝને પંદર દિવસ થયા હોય તો જ ટ્રાવેલ કરો જેથી જે-તે એરપોર્ટ પર કોઇ તકલીફ ન પડે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.