તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીજી ચરણ પામ્યા:અમદાવાદમાં શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન થયુ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામી આધ્યાત્માનંદજી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સ્વામી આધ્યાત્માનંદજી ( ફાઈલ ફોટો)
  • 13 એપ્રિલથી અમદાવાદમાં SGVP હોસ્પિટલમા કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં.
  • યોગ અને ધ્યાન દ્વારા અનેક લોકોને માનસિક રીતે રાહત આપી હતી.
  • 50 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી, 26 વર્ષ અમદાવાદ આશ્રમ સંભાળ્યો
  • આંતરરાષ્ટ્રીય સ્તરે 814 યોગાસન અને ધ્યાન કેમ્પનું આયોજન કર્યું હતું

શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ, શિવાનંદ આશ્રમ અમદાવાદ અને ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. આધ્યાત્મકનંદજી સ્વામીએ 1971માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી હતી. સ્વામીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 814 જેટલા યોગાસન અને ધ્યાનના કેમ્પનું આયોજન કર્યું હતું. સ્વામીજીની વિશેષ રુચિ રક્તદાન તથા વૃક્ષારોપણ હતી.

સ્વામી અધ્યાત્માનંદજી
સ્વામી અધ્યાત્માનંદજી

તેમની એક વિશેષતા હતી કે જાહેર કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવે તો તેની જગ્યાએ તે ફળો અથવા ફ્રૂટનો આગ્રહ રાખતા હતા. સ્વામીજીના ગીતા નવનીતમ પુસ્તકને 2003માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મહર્ષિ અરવિંદ ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વામીજી બ્રહ્મલીન થતા તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે અને સમાજના દરેક વર્ગ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ છે.

13 એપ્રિલથી SGVP હોસ્પિટલમાં દાખલ થયાં હતાં
આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે આધ્યાત્માનંદજી સ્વામીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓ કોરોનાની સારવાર અર્થે પહેલાં શેલ્બિ હોસ્પિટલમાં એક દિવસ માટે દાખલ થયાં હતાં. બાદમાં તેઓ વધુ સારવાર માટે 13 એપ્રિલથી SGVP હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સારવાર દરમિયાન તેઓનું આજે સવારે 11 વાગ્યાની આસપાસ નિધન થયું છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓ પર પ્રભુત્વ હતું
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓ પર પ્રભુત્વ હતું

તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતા
આધ્યાત્માનંદજીનું સમગ્ર વિશ્વમાં યોગનો પ્રસાર કરવામાં મોટુ યોગદાન હતું. તેમના હાથ નીચે અનેક યોગ શિક્ષકો તૈયાર થયાં છે. લોકડાઉનના સમયમાં વિશેષ કાર્યક્રમો રજુ કરીને લોકોમાં કોરોનાથી ઉભા થયેલા તણાવને હળવો કર્યો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતાં. તેમનું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓ પર પ્રભુત્વ હતું. તેઓ એક સારા કથાકાર પણ હતાં.

સ્વામીજીએ 1995માં શિવાનંદ આશ્રમની જવાબદારી સંભાળી હતી
શિવાનંદ આશ્રમ અમદાવાદમાં ગુરુ સ્વામીજી ચિદાનંદજીના આદેશથી 1995માં આગમન થયું હતું. ત્યારબાદ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થયો અને દેશ-વિદેશથી લોકો યોગાસન શીખવા સ્વામીજી પાસે આવતા હતા. સ્વામીજી બ્રહ્મલીનના સમાચાર સાંભળીને વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 2009માં સ્વામીજીએ બેઇજિંગ ચીનમાં સહકારી પરિષદનું પણ આયોજન કર્યું હતું.

સ્વામીજીની વિદાય સમાજને મોટી ખોટ
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, ગુરુવર્ય સદગુરુ સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજની ખોટ અવશ્ય વર્તાશે. તેમણે કરેલા સેવા અને સામાજિક કાર્યોની છાપ હંમેશને માટે રહેશે. તેમની વિદાયથી મોટી ખોટ પડી છે.

હૈયું હંમેશા પ્રેમથી ભરેલું રહેતું હતું
મેમનગર ગુરુકુલના સંત બાલકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું, સ્વામીજીનું હૈયું પ્રેમથી ભરેલું હતું. તેઓ 25 દિવસ ગુરુકુળ હોલિસ્ટિક હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. થોડા દિવસો પહેલા તેમના જન્મદિવસ પ્રસંગે અમારે તેમની સાથે ઘણા સમય સુધી સત્સંગ થયો હતો.

યોગથી પરમાત્માનો સાક્ષાત્કાર કરાવ્યો
વૈષ્ણવાચાર્ય ગોસ્વામી કુંજેશકુમારજીએ કહ્યું, યોગ દ્વારા હજારો ભક્તોને અધ્યાત્મ સાથે જોડી સ્વામીજીએ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. તેમના સહજ પ્રેમાળ સ્વાભાવ, પ્રત્યેક ભક્તને નિખાલસતાથી મળવા જેવી બાબતોનો હવે ભક્તો અને સંપૂર્ણ સમાજને લાભ નહીં મળે.