ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા મોકૂફ:ભરતીમાં સિન્ડિકેટ સભ્યોના મળતીયાઓની ગોઠવણ ના થઈ હોવાથી હાલ પૂરતી ભરતી મોકૂફ: NSUI

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ 118 પોસ્ટ પર ભરતી થવાની હતી. જે માટે આગામી દિવસમાં ઇન્ટરવ્યૂ તથા પરીક્ષાની તારીખ પણ જાહેર કરવાના આવી હતી. પરંતુ આજે અચાનક જ કોઈ કારણ વિના ભરતી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. NSUIનો આક્ષેપ છે કે, ભરતીમાં સિન્ડિકેટ સભ્યોના મળતીયાઓની ગોઠવણ ના થઈ તે માટે ભરતી મોકૂફ રાખવાના આવી છે.

118 પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત
ગુજરાત યુનિવર્સિટીમાં વિભાગના ડાયરેકટર, ડેવલોપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપાલ સાયન્ટિફિક ઓફિસર, ચીફ એકાઉન્ટ ઓફિસર, ડાયરેકટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રેસ મેનેજર, લાયબ્રેરીયન, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ, યુનિવર્સીટી એન્જીનયર, લેડી મેડિકલ ઓફિસર સહિત અલગ અલગ 118 પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

અગમ્ય કારણોસર ભરતી ફરીથી મોકૂફ
અગાઉ ચૂંટણીના કારણે ભરતી પર રોક લાગી હતી જેથી ભરતી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે અગમ્ય કારણોસર ભરતી ફરીથી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર પરિપત્ર બહાર પાડીને ભરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિન્ડિકેટ સભ્યોએ જ સરકારને રજુઆત કરી હતી જેના પગલે ભરતી સ્થગિત કરવામાં આવી છે. જોકે, અચાનક ભરતી પર રોક લાગતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે.

આગામી દિવસમાં યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરીશું
આ અંગે NSUIના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં સિન્ડિકેટ સભ્યોના મળતીયાઓની ગોઠવણ થઈ નથી જેના કારણે જાહેર કરેલી તારીખ અને પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. એક તરફ સરકાર ભરતીની મોટી વાતો કરે છે અને બીજી તરફ યુનિવર્સિટીમાં અચાનક જ ભરતી પર રોક લગાવવામાં આવી છે. આગામી દિવસમાં અમે યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...