નાયબ મુખ્યમંત્રીની ખાતરી:સરદાર સરોવર ડેમમાં પાણીનો પૂરતો જથ્થો, નાગરિકોને એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે: નીતિન પટેલ

અમદાવાદ2 મહિનો પહેલા
નાયબ મુખ્યમંત્રીની ફાઈલ તસવીર
  • પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલુ પાણી સિંચાઈ માટે અપાઈ રહ્યુ છે: નીતિન પટેલ
  • ખેડૂતો કૂવા-ટયુબવેલમાંથી પાણી વાપરી શકે એ માટે 10 કલાક વીજળી: નાયબ મુખ્યમંત્રી

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો છે. છેલ્લા બે વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો નથી. ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાકને લઈને ચિંતામાં છે, રાજ્યના અનેક ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. એવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેમ નથી. સરદાર સરોવર ડેમમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે.

સરદાર સરોવર ડેમમાં પીવા માટે પૂરતું પાણી હોવાનો સરકારનો દાવો
તેમણે ઉમેર્યુ કે, સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખો ખેડૂતોને સિંચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલુ પાણી સિંચાઈ માટે કેનાલો મારફત આપવામાં આવી રહ્યુ છે.

ખેડૂતોને અપાતી વધારાની વીજળીના યુનિટનો ખર્ચ સરકાર ચૂકવશે
તેમણે ઉમેર્યુ કે, ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે જે ખેડૂતો કૂવા કે ટયુબવેલ દ્વારા પાણી મેળવી રહ્યા છે એમને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી આપવાનો નિર્ણય રાજય સરકારે અગાઉથી કર્યો છે. જેના પરિણામે રોજના એક કરોડ વધારાના વીજ યુનિટ ખેડૂતો આજે વાપરી રહ્યા છે. આ વધારાના વીજ યુનિટ માટેના ખર્ચની સબસીડી ખેડૂતો વતી રાજય સરકાર ચૂકવશે તેમ તેમણે ઉમેર્યુ છે.

ગત વર્ષ કરતા આ વર્ષે નર્મદા ડેમની સપાટી 20 મીટર ઓછી
ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી, જ્યારે આજે 25 ઓગસ્ટ-2021ના રોજ નર્મદા ડેમની સપાટી 115.81 મીટર જ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને બેઠા છે.

નર્મદા ડેમમાં હાલ 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે
નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઊભા થવાની શક્યતાઓ છે. ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી 0.55 MAF (એકર ફૂટ) એટલે 11 ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઇ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઊભા થયા છે.

છેલ્લા 5 વર્ષમાં સપ્ટેમ્બર માસમાં પડેલો વરસાદ

વર્ષ(સપ્ટેમ્બર)સરેરાશ વરસાદ
20164 ઈંચ
20172 ઈંચ
20181.5 ઈંચ
201913 ઈંચ
20205 ઈંચ