LRD ઉમેદવારો ધ્યાન રાખજો:પાન-મસાલા, સિગારેટ, દારૂ કે ગાંજાના વ્યસનથી દોડતા સમયે શ્વાસ ચડવાની સમસ્યા થવાનોભય, મોત પણ થઈ શકે

અમદાવાદ21 દિવસ પહેલા
  • દારૂ પીધાના બીજા દિવસે જો દોડવા જાઓ તો તમારા શરીરમાં નબળાઈ આવી જાય છે
  • વધુપડતી સિગારેટ પીતા હશો તો દોડ દરમિયાન તમારી તબિયત નાજુક થઈ શકે

ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરમાં 10,459 જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 9.50 લાખ જેટલા ઉમેદવારો છે. આ તમામ ઉમેદવારોની આગામી ડિસેમ્બર માસમાં શારીરિક દોડની પરીક્ષા લેવામાં આવશે. જે યુવાઓ LRD ભરતીમાં દોડની પરીક્ષા આપવાના છે તેમણે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. નેશનલ એથ્લીટ રૂપેશ મકવાણાના જણાવ્યા મુજબ, જો પાન-મસાલા, સિગારેટ અથવા દારૂ કે ગાંજો પીવો છો તો દોડ વખતે તમને શ્વાસ ચડવાની તકલીફ થઈ શકે છે. વધુપડતી સિગારેટ પીતા હશો તો દોડ દરમિયાન તમારી તબિયત નાજુક થઈ શકે છે અથવા મોત પણ થઈ શકે છે, જેથી જે પણ ઉમેદવાર દોડની તૈયારી કરે છે તેને તાત્કાલિક વ્યસન બંધ કરી દેવું જોઈએ.

વ્યસનમાં ડૂબેલા યુવા વર્ગને દોડમાં થઈ રહી છે સમસ્યા
નેશનલ એથ્લીટ રૂપેશ મકવાણાએ દોડની તૈયારીઓ દરમિયાન થતી તકલીફમાં વ્યસનને પણ
કારણ બતાવ્યું છે. તેમણે DivyaBhaskarને વ્યસનને કારણે દોડમાં થતી તકલીફ અંગે
વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજનો યુવા વર્ગ વ્યસનોમાં ડૂબેલો છે. પોલીસની ભરતીમાં
દોડની તૈયારી કરવા અનેક યુવાન આવે છે. તેઓ અમને ફરિયાદ કરે છે કે દોડતા સમયે શ્વાસ
વધુ ચડે છે, જેથી તેમને પૂછીએ છીએ કે કોઈ વ્યસન છે કે કેમ, ત્યારે મસાલા અને સિગારેટનું
વ્યસન હોવાનું તેમણે જણાવ્યું હતું. મસાલા અને સિગારેટને કારણે શ્વાસ ચડવાની તકલીફ વધુ
રહે છે અને વધુ પડતા આ વ્યસનેના કારણે દોડ દરમિયાન મોત પણ થઈ શકે છે.

હૃદય નબળું પડી જવાથી દોડતી વખતે મોત થઈ શકે
સિગારેટ વધુપડતી પીવાથી ફેફસાંને નુકસાન થાય છે. 5 કિલોમીટર દોડવું એ કોઈ રમતની વાત નથી. 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું હોય છે. જો તમે ફાસ્ટ દોડતા હોવ તો તમારા હૃદય
પર ભાર આવે છે અને મસાલા તેમજ સિગારેટથી હૃદય નબળું પડી ગયું હોય તો તમારું મૃત્યુ
પણ થઈ શકે છે. સિગારેટ સાથે જે યુવાન ગાંજાનો વ્યસની હોય તો તેણે આ બંધ કરવું જરૂરી છે.
તેમણે મસાલા, ગાંજો અને સિગારેટનું વ્યસન હોય તો બંધ કરી દેવું જોઈએ.

દારૂ પીવાથી શરીરમાં નબળાઈ આવી શકે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂનું વ્યસન કરતા હોય તો એ પણ બંધ કરવું પડે, કારણ કે દારૂ
પીવાથી માનસિક અસર થાય છે. દારૂ પીધાના બીજા દિવસે જો દોડવા જાઓ તો તમારા
શરીરમાં વીકનેસ આવી જાય છે. શરીર એકદમ નબળું પડી જાય છે અને આવી નબળાઈ સાથે
દોડવાથી મસલ્સમાં તકલીફ થાય છે. મસલ્સમાં જો તકલીફ થાય તો તમને ઇજા થાય છે,
પગની ઇજા ઝડપથી સાજી થઈ શકે નહીં. દારૂ જેવા વ્યસનને કારણે શરીરનાં કિડની જેવાં
અંગોમાં નુકસાન થાય છે, જેથી તમે દોડી શકો નહિ, આથી દરેક ભરતીના ઉમેદવારને અપીલ છે
કે જો દારૂ, ગાંજો, મસાલા તેમજ સિગારેટનું વ્યસન હોય તો તાત્કાલિક બંધ કરી દોડની
તૈયારીઓ પર વધુ ધ્યાન આપે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

નોંધનીય છે કે દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
દોડની પરીક્ષામાં પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા
સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર
10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી
ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10
માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા
સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10
માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે
અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.